અમદાવાદ : બાયડ હાઈવે પર રવિવારે બપોરે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પછી કારમાં આગ ફાટી નીકળતા કારમાં બેસેલા ડોક્ટર દંપતી ભડથું થઈ ગયા હતા. કારમાં આગ લાગ્યા પછી કાર ખેતરમાં ઘૂસી ગઈ હતી. અહીં સૂકી સાંઠીઓ પણ સળગી જતાં આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગઈ કાલે રવિવારે દહેગામ રોડ પર રોયલ સ્કૂલથી લીહોડા વચ્ચે ડમ્પર અને ક્રેટા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પછી કારમાં આગ ફાટી નીકળી હતી અને થોડીવારમાં જ આગ બેકાબૂ બની ગઈ હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ આગમાં ડોક્ટર દંપતીનું મોત નીપજ્યું હતું.



આ અકસ્માતમાં બાયડ ચોઇલા રોડ પર આવેલા વાત્સલ્ય હોસ્પિટલના ગાયનેક ડોક્ટર મયુરભાઈ શાહ અને તેમના પત્ની ડોક્ટર પ્રેરણા શાહનું મોત નીપજ્યું છે. રવિવારે પુત્ર ડો. હીમીલભાઈ શાહના ઘરેથી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત નડ્યો હતો. તેઓ રવિવારે મતદાન હોવાથી પુત્રના ઘરેથી વતન મતદાન માટે જઈ રહ્યા હતા. જોકે, અકસ્માતમાં બંનેનું મોત નીપજ્યું છે.