અમદાવાદ: પીએમ મોદીએ 8 નવેમ્બરે લીધેલા 500 અને 100 રૂપિયાની જૂની નોટોને કરન્સીમાંથી હટાવ્યા પછી દેશના લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ રિઝર્વ બેંકે બહાર પાડેલી 2000 અને 500 રૂપિયાની નવી નોટો મેળવવા માટે દેશના લોકો કલાકો સુધી બેંકની બહાર લાગેલી લાઈનોમાં ઉભા રહે છે. દેશના લોકોની આવી હાલતને જોતા વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસની સરકારે પીએમ મોદીના નોટબંધીના નિર્ણય સામે 28 નવેમ્બરે સમગ્ર દેશમાં ભારત બંધની જાહેરાત કરી છે.

હવે જો આવતી કાલે 28 નવેમ્બરે ભારત બંધની અસર જોવા મળશે તો લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કારણ કે 28 નવેમ્બર પહેલા શનિવાર અને રવિવાર હોવાના કારણે બેંકો બંધ રહી હતી. જેથી લોકોને નવી કરન્સી મળી નહોતી. વળી દેશના તમામ એટીએમની હાલત પણ ખરાબ છે. બેંકોમાં શનિવાર અને રવિવારે રજા હોવાના કારણે દેશના તમામ એટીએમ તળીયા ઝટાક થઈ ગયા છે. અને અમુક એટીએમ તો બંધ હાલતમાં છે. પરંતુ જો આવતી કાલે એટલે કે 28 નવેમ્બર સોમવારે જો ભારત બંધની અસર જોવા મળી તો દેશના તમામ વેપાર- ધંધો અને બેંકો પણ બંધ રહેશે, બેંકો બંધ હોવાના કારણે એટીએમમાં પૈસા આવશે નહીં, જેના કારણે દેશના લોકોને સળંગ ત્રણ દિવસ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

મંગળવારે જ્યારે બેંક ખૂલશે ત્યારે બપોર પછી એટીએમમાં પૈસા નખાશે અને ત્યારબાદ લોકોને પૈસા મળશે. તેથી મંગળવારે બેંકો સહિત એટીએમની બહાર મોટી લાઈનો જોવા મળી શકે છે. પરંતુ જો જોગાનુજોગ આવતીકાલે 28 નવેમ્બર સોમવારે બંધની અસર નહીં હોય તો બેંકો સહિત એટીએમમાં પૈસાની યોગ્ય વ્યવસ્થા થઈ શકે છે.