અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે સાંજે ચાર વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યા હતા. શાહ છેલ્લા સાત મહિનાથી અમદાવાદ નહોતા આવ્યા ને અચાનક અમદાવાદ આવતાં જાત જાતની અટકળો તેજ બની છે. જો કે ભાજપે તેમની આ મુલાકાત પારિવારિક મુલાકાત જ હોવાનો દાવો કર્યો છે. આ મુલાકાતમાં શાહનો કોઈ જ પોલીટિકલ એજન્ડા ન હોવાનું ભાજપે કહ્યું છે.


બીજી તરફ એવી અટકળો પણ ચાલી રહી છે કે, રાજ્યમાં હવે પછી યોજાનારી છ મહાનગર પાલિકાઓ, 55 નગરપાલિકાઓની, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતની યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં શાહ અમદાવાદ આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપની સ્થિતિ સારી ન હોવાથી ભાજપ સંગઠનમા જોમ પૂરવા માટે શાહ આવ્યા છે. ભાજપના સંગઠનને મજબૂત કરવાની કવાયત તેઓ કરશે. અમિત શાહ છેલ્લા થોડા મહિનાઓથી સક્રિય રાજકારણથી દૂર છે. કોરોનાનો ચેપ લાગ્યા પછી ડોક્ટરોએ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.



ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, શાહ નવરાત્રિમા પરિવાર સાથે માતાજીના દર્શાનાર્થે જાય છે. 17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી હોવાથી શાહ આવ્યા છે. આ વર્ષના ફેબ્રુઆરી માસમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદની મુલાકાત લીધી તે પછી પહેલી વાર અમિત શાહ તેમના પરિવારને મળવા માટે અમદાવાદ આવ્યા છે.