અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના દૈનિક કેસો હજારથી વધુ આવી રહ્યા છે. તેમજ એક્ટિવ કેસો 15 હજારને પાર થઈ ગયા છે. આમ છતાં ગુજરાત માટે મોટા રાહતના સમાચાર એ છે કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સ્વસ્થ થવાનો દર ખૂબ જ ઊંચો છે અને આ દરમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.


હાલ, ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 80.67 ટકા છે. તેમજ ગઈ કાલે રાજ્યમાં 1095 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ અત્યાર સુધીમાં કુલ 76,757 દર્દીઓ સાજા થયા છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી મોદીના આદેશ પછી ગુજરાતમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ ખૂબ જ વધારી દેવામાં આવ્યું છે.

ગઈ કાલે કુલ 69,488 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે 1069.05 પ્રતિ દિન પ્રતિ મીલીયન વસ્તીના છે. આમ, કોરોનાના ટેસ્ટનું પ્રમાણ વધારવામાં આવતાં નવા કેસો વધી રહ્યા છે. ગઈ કાલે રાજ્યમાં નવા 1272 કેસ નોંધાયા હતા. જોકે, વધુ કેસો આવવા છતાં દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ ખૂજ જ સારી છે. એક્ટિવ કેસોની દ્રષ્ટીએ ગુજરાત હાલ, દેશમાં 19માં નંબરે આવી ગયું છે. જ્યારે કુલ કેસોની દ્રષ્ટીએ વાત કરીએ તો દેશમાં ગુજરાત 11માં નંબરે છે. એટલે કે, 10 રાજ્યમાં કુલ કેસો ગુજરાત કરતા વધું છે.

એક સમયે ગુજરાત કોરોનાના કેસોમાં ખૂબ જ આગળ નીકળી ગયું હતું. જોકે, હવે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ સ્થિતિ ખૂબ સારી છે. ગુજરાતમાં હાલ, કોરોનાના કુલ 95,155 કેસો છે. જેમાંથી એક્ટિવ કેસો 15,272 છે. જ્યારે કુલ 3006 લોકોના કોરોનાથી મોત થયા છે.