Ahmedabad Iskcon Bridge Accident Update: અમદાવાદ ઈસ્કોન બ્રિજ કેસમાં આરોપી તથ્ય પટેલની કારની સ્પીડને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે. જેગુઆર કંપનીએ યુકેથી રિપોર્ટ આપ્યો છે. જે મુજબ અકસ્માત સમયે તથ્યનું ડ્રાયવિંગ પર ધ્યાન નહોતું, જેગુઆર કારની બ્રેક ફેલ નહોતી. અકસ્માત થયો ત્યારે વિઝિબિલિટી પર્યાપ્ત હતી. જેગુઆર ટકરાઈ ત્યારે સ્પીડ 137 કરતા વધુ હતી અને ટકરાયા બાદ 108 કિ.મી સ્પીડે ગાડી લોક થઈ હતી.
કસ્માત સમયે ગાડી 0.5 સેકન્ડમાં જ લોકો પર ફરી વળી
કારમાં સવાર તથ્ય સહિત તમામ 6 લોકો ધમાલ મસ્તી કરી રહ્યા હતા. બેફામ રીતે કાર ચલાવવાથી અકસ્માત થયો હતો. ટક્કર મારી ત્યારે તથ્યએ એક્સેલેટર દબાવેલું હતું. તથ્ય પટેલે ગાડીમાં બ્રેક પર પગ મૂક્યો ન હોવાનું પણ રિપોર્ટમાં ખુલ્યું છે. અકસ્માત સમયે ગાડી 0.5 સેકન્ડમાં જ લોકો પર ફરી વળી હતી.
આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત થયા
આ કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. તથ્ય પટેલ સાથે તેના પાંચ મિત્રો ગાડીમાં સવાર હતા. જેમાં ત્રણ છોકરીઓ શ્રેયા,ધ્વનિ અને માલવિકા પટેલ પણ હતી. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે.
આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. અકસ્માતના દિવસે પણ અગાઉની જેમ જ 6 લોકો કાફેમાં ગયાં હતાં. જ્યાંથી પરત ફરતાં આ અકસ્માત સર્જાયો હતો. યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળ્યા ત્યારે તથ્યએ પૂરઝડપે કાર ચલાવી હતી. તથ્યને કાર ધીમે ચલાવવા કહ્યું પરંતુ તે માન્યો નહી!
અમદાવાદના બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે શહેરમાં ખરાબ રસ્તાઓને લઇને સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકારની આકરી ટકોર કરતા કહ્યું હતું કે રાજ્ય સરકારની ઈચ્છા શક્તિ હોય તો ઘણું બધું થઈ શકે છે.
વધુમા કોર્ટે કહ્યું હતું કે નબીરાઓ છડે ચોક કાયદાનો ભંગ કરે છે કારણ કે તેમને રોકવાની રાજ્ય સરકારની કરોડરજ્જુ નથી અથવા ઈચ્છા શક્તિ નથી. ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે હાઇકોર્ટે ટકોર કરી હતી. કોર્ટે કહ્યું કે કાયદાનો ડર નહીં હોય તો આવા અકસ્માતો સર્જાતા રહેશે. કાયદાનો ડર બેસાડવો એ સરકારનું કામ છે. લોકો રસ્તાઓ પર સ્ટંટ કરે છે, તમે શું કરો છો, એને રોકો. કાયદાનો ભંગ કરનારા લોકોને ભાન કરાવવું જરૂરી છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે ટ્રાફિક મોનિટરિંગ માટે સીસીટીવીના દાવાઓ કરતી સરકાર હાઇવે પર શું ધ્યાન આપે છે? અન્ય મોટા શહેરોમાં ટ્રાફિક નિયમન મુદ્દે લોકોને જે પ્રમાણે કાયદાનો ડર છે અને અમલવારી થાય છે તેવી અમલવારી અહીં શા માટે થતી નથી?