અમદાવાદ: મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે આ મોંઘવારીમાં શાકભાજી તેમજ કેરીના ભાવમાં આસમાને જોવા મળી રહ્યા છે. તમામ શાકભાજીના ભાવ ડબલ થઇ ગયા છે, જેને લઇને ગૃહિણીઓ ત્રાહિમામ્ પોકારી રહી છે. વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવની અસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પણ પડી રહી છે. જેને લઇને મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન છે.


શાકભાજીમાં ભાવ વધારો


કોબીજ -60 
ફલાવર -80
રવૈયા -80
પરવર- 100
ભીંડા -80 
કેપ્સિકમ-  80


તિંડોડા- 120
કાકડી- 100
કાચી કેરી- 120
લીંબુ- 280


(ભાવ કિલોમાં છે )


કેરી.   


આ વર્ષ        ગત વર્ષે
સુંદરી180-  100
પાયરી 150-    100
હાફૂસ 1200-    500
તોતા 80-        40



આ ઉપરાંત ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો થયો છે. સીંગતેલમાં 10 દિવસોમાં 75 રૂપિયાનો વધારો થતા ડબાનો ભાવ 2730 રૂપિયાએ પહોંચી ગયો છે. કપાસિયાના તેલમાં 10 દિવસોમાં 50 રૂપિયા વધતા  ડબાનો ભાવ 2725 રૂપિયાએ પહોંચ્યો છે. પામોલીન તેલામાં 10 દિવસમાં 50 રૂપિયા વધ્યા છે જેથી ડબાનો ભાવ 2470 રૂપિયાએ પહોંચ્યો છે.


વિદેશી બજારોમાં વૃદ્ધિ


સૂત્રોએ જણાવ્યું હતું કે મલેશિયા એક્સચેન્જમાં 2.15 ટકાનો વધારો થયો છે જ્યારે શિકાગો એક્સચેન્જમાં 1.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. વિદેશી બજારોમાં તેજીના માહોલ વચ્ચે ખાદ્યતેલોની અછતના કારણે લગભગ તમામ ખાદ્યતેલોના ભાવ ઉંચા રહ્યા હતા.


આયાતકારોને નુકસાન


સૂત્રોના જણાવ્યા અનુસાર, સોયાબીન અને પામોલીનના આયાતકારોને આ તેલની આયાત કરવામાં પ્રતિ ક્વિન્ટલ આશરે રૂ. 300નું નુકસાન થઈ રહ્યું છે કારણ કે તે સ્વદેશી તેલની સરખામણીમાં ઘણા સસ્તા છે. સ્વદેશી તેલ અને આયાતી તેલ વચ્ચેનું અંતર વધી રહ્યું છે અને આયાતી તેલ મોંઘા થઈ રહ્યા છે.


સરકાર આયાત ડ્યુટી ઘટાડવા વિચાર કરી શકે છે


તેમણે કહ્યું કે એવી અટકળો છે કે સરકાર ખાદ્યતેલોનો પુરવઠો વધારવા માટે આયાત ડ્યૂટી ઘટાડવાનું વિચારી શકે છે, પરંતુ આ પગલું અગાઉની જેમ જ પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ડ્યુટી ઘટાડા પછી વિદેશમાં ખાદ્યતેલોના ભાવમાં વધારો થશે અને ડ્યુટી ઘટાડવાનું પગલું આગમાં બળતણ જેવું કામ કરશે.