Biparjoy Cyclone: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પવન વરસાદ શરુ થયો છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, શ્યામલ, સરખેજ, બોપલ, ઘુમા, શીલજ, આંબલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી છે.


કચ્છ કાંઠે પહોંચી રહેલા વાવાઝોડાથી અમદાવાદમાં ચિંતા વધી છે. સાવચેતીના ભાગરૂપ રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ગુરૂ અને શુક્રવારે સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રવેશ મળશે નહીં. અમદાવાદમાં ચાલી રહેલી 700થી વધુ કન્સ્ટ્રક્શન સાઈટોને તકેદારીની સૂચના આપવામાં આવી છે. સરકારી, ખાનગી હોસ્પિટલમાં પણ તબીબોને હાજર રહેવા AMCએ તાકિદ કરી છે. સામાન્ય રીતે નવ કિ.મીની ઝડપે ફુંકાતા પવનના સ્થાને અમદાવાદમાં 20 કિ.મીની ગતિ જોવા મળી છે. તો ગુરૂ-શુક્રવારે 40થી 50 કિ.મી પ્રતિ કલાકની પવનની ગતિની શક્યતા સેવાઈ રહી છે. દરિયાકાંઠે વાવાઝોડું પસાર થતા જ અમદાવાદમાં પણ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાધનપુર સાંતલપુરમાં વરસાદી વાદળો સાથે ભારે પવન ફૂંકાયો છે. રાધનપુર શહેર સહીત પ્રેમનગર, પુરાણા, સહીત ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે. સાંતલપુર પંથકમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.


કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ


 સમુદ્રી વાવાઝોડાના કારણે કચ્છના મુંદ્રાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ છે, દરીયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે લોકોની મુશ્કેલી વધી છે. કચ્છના માંડવી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. માંડવી અને આસપાસના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. સવારથી અત્યાર સુધીમાં વાતાવરણમાં અનેક વખત પલટો આવ્યો છે.


 



તો બીજી તરફ જૂનાગઢ - માંગરોળમાં ફરી વરસાદ શરુ થયો છે. બપોર સુધી વરસાદે વિરામ લીધો હતો. જો કે, બપોર બાદ ફરી વરસાદ શરુ થયો છે. બંદર જાપા, શક્તિ નગર, ટાવર ચોક સહીતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પહેલા જ વરસાદની આગાહી કરવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડાની અસર બનાસકાંઠામાં પણ જોવા મળી રહી છે. જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર, અમીરગઢ, ઇકબાલગઢ સહિતના ગામડાંઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પવન સાથે વરસાદની શરૂઆત થતા લોકોની મુશ્કેલી વધી છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 


વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી


આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બુધવારે કચ્છ અને દ્વારકામાં, જ્યારે ગુરુવારે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે  16 અને 17 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અતિથી અતિભારે વરસાદ પડવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.