Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ 2024 લોકસભા ચૂંટણી માટે 195 બેઠકો પર ઉમેદવારના નામોની યાદી જાહેર કરી છે. તેમાંથી ગુજરાતની 15 બેઠકો પર નામની જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર બેઠક પર બીજેપીએ મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે. પોરબંદરમાંથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નામ જાહેર થતા ભાજપ સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજી તરફ વર્તમાન સાંસદ રમેશ ધડુકનું પત્તુ કપાયું છે.
કોણ છે મનસુખ માડવિયા?
તમને જણાવી દઈએ કે, મનસુખ માંડવિયા હાલમાં ભારત સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી છે. તેઓ સૌપ્રથમ 5 જુલાઈ, 2016ના રોજ કેન્દ્રીય કેબિનેટમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. 30 મે, 2019 ના રોજ તેમણે ફરીથી સ્વતંત્ર હવાલો સાથે રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.
મનસુખ માંડવિયાનો જન્મ 1 જુલાઈ 1972ના રોજ ભાવનગર જિલ્લાના હનોલ ગામમાં થયો હતો. તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે . એક મધ્યમ-વર્ગીય ખેડૂત પરિવારમાંથી આવતા, મનસુખ માંડવિયા ચાર ભાઈઓમાં સૌથી નાના છે. તેમણે પ્રાથમિક શિક્ષણ હનોલની સરકારી પ્રાથમિક શાળામાંથી મેળવ્યું હતું. ત્યાર બાદ તેમણે સોનગઢ ગુરુકુળમાંથી હાઈસ્કૂલ પૂર્ણ કરી હતી.
2012માં પ્રથમ વખત વિધાનસભામાં ચૂંટાયા
મનસુખ માંડવિયા પ્રથમ વખત 2012માં રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2018માં ફરી ચૂંટાયા હતા. માંડવિયાને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હતો, તેથી તેણે વેટરનરી સાયન્સનો અભ્યાસ કર્યો અને પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.
એબીવીપી અને આરએસએસમાં જોડાયા
માંડવીયાએ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન તરીકે પણ સેવા આપી છે. તેમણે ભાજપની યુવા પાંખ, ભારતીય જનતા યુવા મોરચા (BJYM) માં જોડાતા પહેલા RSSની વિદ્યાર્થી પાંખ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના સભ્ય તરીકે તેમની રાજકીય સફર શરૂ કરી હતી.
ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા
માંડવિયા 2002માં પાલીતાણા મતવિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. ત્યારે તેની ઉંમર માત્ર 28 વર્ષની હતી. ભાવનગર યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતક, માંડવિયા લાંબી પદયાત્રાઓના આયોજન માટે પણ જાણીતા છે.