અમદાવાદઃ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં આજે છબીલ પટેલ સીટ સમક્ષ હાજર થયો છે. છબીલ પટેલ સામે ભાનુશાળીની હત્યાનો આરોપ છે. તે ભાનુશાળીની હત્યા પછી ફરાર હતો. આજે વિદેશથી પરત આવતાં જ તેણે સીટ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. અત્યાર સુધીમાં સીટે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે ચાલી રહેલી લડાઇ ચરમસીમાએ પહોંચ્યા પછી છબીલ પટેલે સોપારી આપીને ભાનુશાળીની સયાજી એક્સપ્રેસમાં હત્યા કરાવી નાંખી હતી. જાન્યુઆરી મહિનામાં હત્યા થયા પછી છબીલ પટેલ ફરાર હતો. પોલીસની ભીંસ વધતા છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થે સીટ સામે શરણાગતી સ્વીકારી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, અંગત અદાવત પૂરી કરવા છબીલ પટેલે ભાનુશાળીની હત્યા માટે કાવતરું ઘડ્યું હતું અને ભાનુશાળીની સ્ત્રી મિત્ર મનીષા ગોસ્વામી અને ભાઉની મદદથી પુનાના બે ગેંગસ્ટેરને સોપારી આપી હતી. બીજી તરફ હત્યામાં પોતાની સંડોવણી સાબિત ન થાય તે માટે છબીલ પટેલે બીજી જાન્યુઆરીએ ભારત છોડી દીધું હતું અને મસ્કત જતા રહ્યા હતા. ભાનુશાળીની હત્યા થતાં પોલીસ તપાસમાં છબીલ પટેલનું નામ સામે આવ્યું હતું.
આ પછી છબીલ પટેલ અમેરિકા જતા રહ્યા હતા. દરમિયાન બે દિવસ પહેલા સિદ્ધાર્થ પટેલ સીટ સમક્ષ હાજર થયો હતો. હવે છબીલ પટેલ પણ સીટ સમક્ષ હાજર થતાં હત્યા પાછળના અનેક રહસ્યો પરથી પરદો ઊંચકાશે.