અમદાવાદઃ  ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત સોમવારે રાજ્યના કેટલાક જાણીતા કલાકારો પક્ષમાં જોડાયા હતા. જાણીતા ભજનીક હેમંત ચૌહાણ, સંગીતકાર પંકજ ભટ્ટ, ગાયિકા સંગીતા લાબડિયા, લોકસાહિત્યકાર બિહારી ગઢવી, લોકસાહિત્યકાર ગોપાલ બારોટ, ગાયક બંકિમ પાઠક, ધનરાજ ગઢવી,  પ્રભુભાઈ ઠાકોર, જીતેન્દ્રભાઈ ઠક્કરે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો.


જોકે આજે હેમંત ચૌહાણે ભાજપમાં જોડાવા મુદ્દે ફેરવી તોળ્યું હતું. આજે તેમણે એક વીડિયો પોસ્ટ કરીને  કહ્યું, હું ભાજપમાં જોડાયો નથી. બધા કલાકારો સાથે અભિનંદન આપવા ગયો હતો અને પાર્ટીમાં જોડી લેવામાં આવ્યો હતો.   હેમંત ચૌહાણે બે જ દિવસમાં ભાજપમાં જોડાવાનો ઇન્કાર કરી દેતા હવે આ મામલે રાજકારણ ગરમાયું છે.



વીડિયોમાં હેમંત ચૌહાણ કહી રહ્યા છે કે, નમસ્તે ભાઈઓ, બહેને, વડીલો અને બાળકો. આજે મારે એક ચોખવટ કરવાની છે. આજે મીડિયામાં એવી જાહેરાત થઈ છે કે હું ભાજપ સાથે જોડાયો છું. અમે કલાકાર મિત્રો છીએ. સન્માન કાર્યક્રમમાં અમને બોલાવવામાં આવતા હોય છે ત્યારે એક સિનિયર કલાકાર તરીકે મારે હાજરી આપવી પડે. પાંચ વર્ષ પહેલા મને ચૂંટણીમાં ટિકિટની ઓફર થઈ હતી ત્યારે મેં ના કહી હતી. મારું કામ ભજન કરવાનું છે, હું કોઈ પક્ષમાં સક્રિય ન રહી શકું.

હેમંત ચૌહાણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ વખતે પણ અમારા સન્માનો થયા હતા. એ સન્માનોને પણ અમે વધાવી લીધા હતા. રૂપાણી સાહેબના સન્માનને પણ અમે વધાવી લીધું છે. હું કોઈ પક્ષનો માણસ નથી. હું જાતે કહું છું કે ભાજપમાં જોડાયો હોવાનું કોઈ કહે તો આ વાત માનવી નહીં. કોઈ સત્યની રાહ લેતા હોય ત્યારે કલાકાર તરીકે અમે તેને બિરદાવવા માટે જતા હોઈએ છીએ. પાર્ટી કોઈ પણ હોય અમે જતા હોઈએ છીએ. અમે કલાકારો અભિનંદન પાઠવવા માટે ગયા હતા. હું બધાનો છું. કલાકારને કોઈ પક્ષ ન હોય. હું માણસનો માણસ છું. તમે બધા અમારા હૃદયમાં બિરાજમાન છો. હું કોઈ પક્ષમાં જઈને મારી નામના હલકી કરવા માંગતો નથી. મારા વિશે કોઈ અફવા ફેલાવો તો માનવી નહીં. હું ભજન માટે જન્મ્યો છું.


સોમવારે ભાજપમાં જોડાયા ત્યારે જાણીતા ભજનીક હેમંત ચૌહાણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારતને આઝાદ થતાં આપણે જોયું નથી પરંતુ કાશ્મીર આઝાદ થયું તેનો અમને હરખ છે. અમે આનો અનુભવ કર્યો છે. આ સાથે જ હેમંત ચૌહાણે પોતાનું ખૂબ જ લોકપ્રિય ભજન "સીતારામ તણા સત સંગમાં, રાધે શ્યામના રે રંગમાં, તું રંગાઈ જાને રંગમાં" પણ લલકાર્યું હતું.

કોહલી, બુમરાહે બતાવ્યા સિક્સ પેક, રોહિત અને પંતે ફાંદ છુપાવવા શું કર્યું, જાણો વિગત