અમદાવાદઃ દેશભરમાં ચાલી રહેલા CAAના વિરોધની અસર ગઇકાલે અમદાવાદમાં પણ પડી, શહેરના શાહઆલમ વિસ્તારમાં ટોળાએ પ્રદર્શન કરવાના બહાને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેને લઇને શહેરનુ વાતાવરણ તંગ બની ગયુ હતુ. ટોળાના પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થતાં આજે પોલીસ ફોર્સે મોટી એક્શન લીધી છે.

માહિતી પ્રમાણે, શાહઆલમમાં ગઇકાલે થયેલા હુમલાને પોલીસે એક કાવતરુ ગણાવ્યુ હતું. આજે સ્થિતિ સામાન્ય બનતા પોલીસે હુમલા કરનારા ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. ઇસનપુરના પીઆઇ જેએમ સોલંકીએ 5 હજાર લોકોના ટાળો સામે ષડયંત્ર રચીને હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન ઉર્ફે સની બાબા પઠાણ સહિત 49 લોકોની ધરપકડ કરી છે. ટોળાના આ હુમલાથી 21 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

આ હુમલા અંગે પોલીસે આગળની તપાસ વીડિયો ફૂટેજના આધારે શરૂ કરી છે, ક્રાઇમ બ્રાંચની ટુકડી સાથે સ્થાનિક પોલીસ ગુનેગારોને શોધવા માટે કામે લાગી ગઇ છે.

કઇ કલમો પર નોંધાઇ ફરિયાદ....
પોલીસે આ મામલે આઇપીસી 307, 337, 333, 143, 145, 147, 151, 152, 153, 188, 120 બી, 34 તથા પબ્લિક પ્રોપર્ટીની કલમ 3 અને 7 તથા જીપી એકટ 135(1) મુજબ ફરિયાદ નોંધી છે.

ઉપરાંત હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમા રૂકાવટ, ષડયંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયોટીંગ સાથે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસને સૂચના અપાઇ....
ગઇકાલના પોલીસ સ્ટાફ પર થયેલા હુમલાને લઇને આજે પગપાળા પેટ્રૉલિંગ ના કરવાની સૂચના આપવામાં આવી છે, PCR વાનમાં જ પેટ્રૉલિંગ કરવાનો આદેશ છે. ઉપરાંત શાહઆલામ ખાતે ત્રણ અલગ અલગ સ્થળોએ હથિયારધારી પોલીસ ફોર્સને તૈનાત કરવામાં આવી છે.