અમદાવાદઃવટવાની આઈશા મકરાણીની આત્મહત્યા કેસમાં પોલીસ તેના પતિ આરિફને રાજસ્થાનથી અમદાવાદ લઈ આવી છે. આઈશાનો પતિ આરીફ આઈશાના ચારિત્ર્ય અંગે શંકા કરીને તેને ત્રાસ આપતો હતો એવો ખુલાસો થયો છે. આઈશાને તેના મામાના છોકરા સાથે શરીર સંબંધ હતા એવો ગંદો આક્ષેપ કરીને સાસરિયાં આઈશાને ત્રાસ આપતાં હતાં. આઈશાના ગર્ભમાં રહેલું બાળક પણ તેના મામાના છોકરાનું હોવાનો આક્ષેપ સાસરિયાં કરતાં હતાં.

આ કેસમાં ફરિયાદી આઈશાના પિતાના વકીલ ઝફરખાન પઠાણે જણાવ્યું કે, આઈશા અને આરિફ વચ્ચે છેલ્લે જે 72 મિનિટની વાત થઈ હતી એમાં છેલ્લી દસ મિનિટની વાતચીતમાં આઈશાના ગર્ભમાં રહેલા બાળક વિશે આરિફે ગંદા આક્ષેપ કર્યા હતા. આ બાળક પોતાનું નહીં પરંતુ આસિફનું હોવાનું આરિફ વાતચીતમાં કહે છે. આ મુદ્દે આરિફ અને તેનાં સાસરિયાં આઈશાને હેરાન કરતાં હતાં તેમજ મારઝૂડ પણ કરતાં હતાં.

આઈશાએ પતિ આરિફ બાબુખાન ગફુરજી, તેનાં માતા-પિતા અને બહેન સામે વટવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કારણે આઈશા તેના પિતાના ઘરે જ રહેતી હતી.