ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે. જેમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે છુટાછવાયા વરસાદની શક્યતા જોવા મળી રહે છે. જ્યારે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અલનીનોની અસર સમાપ્ત થતાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં મોડી રાતથી ઘણી જગ્યાએ વરસાદનું આગમન થઈ ગયું છે. ગઈકાલે સાંજથી રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે.
21 અને 22 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છથી લઈ દીવ, દાદરાનગર હવેલી, વલસાડ, છોટા ઉદેપુર, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ આવે એવી સંભાવના છે. જ્યારે 24-25 જુલાઈએ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમમાં રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યું છે. જેથી અગામી બે-ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
જૂનના અંતમાં રાજ્યભરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા હતા. બાદમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદે દસ્તક દીધી હતી. જો કે, બે-ત્રણ દિવસ સામાન્ય વરસાદ પડયા બાદ મેઘરાજા ગાયબ થઈ જતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.