અમદાવાદ: ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ખગોળશાસ્ત્રી અને વૈજ્ઞાનિક ડૉ. જીતેન્દ્ર જે.રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ‘સાહિત્ય અને વિજ્ઞાન’ વિષયક વ્યાખ્યાન આપ્યું હતું. તો કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા નાટ્યગુરુ ચેતનભાઈ દવે રચિત, દિગ્દર્શિત નાટ્યકૃતિ ‘ગુરુકૃપા’ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને ‘શિક્ષકની મહત્તા’ અને ‘એક શ્રેષ્ઠ ગુરુ કે રૂપ મેં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન’ વિષયક વ્યાખ્યાન યોજાયું હતું.
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ૫ સપ્ટેમ્બર ભારતભરમાં ‘શિક્ષક દિવસ’ તરીકે મનાવવામાં આવે છે ત્યારે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પણ ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
ડૉ.જીતેન્દ્ર જે. રાવલે ‘સાહિત્ય અને વિજ્ઞાન’ વિષયક વ્યાખ્યાન આપતા કહ્યું હતું કે, ક્ષણે ક્ષણે રૂપ બદલતી પૃથ્વીને સાહિત્ય સાથે ગાઢ સંબંધ છે. ગુજરાતીના આદિકવિ નરસિંહ મહેતાની કાવ્ય રચના ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે’ ની વાત કરતા કહેલું કે ‘બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું’માં પણ વિજ્ઞાન સંકળાયેલું છે. તેમણે આપણા પ્રાચીન ગ્રંથો, સૂર્યનારાયણ, તમામ ગ્રહો, બ્રહ્માંડની રચના, ઋગ્વેદ, શ્રીમદ્ ભગવતગીતા, શંકરાચાર્ય, ભર્તુહરિની રચનાઓ અને અનેક ઉદાહરણોની સરસ રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, આપણું જીવન ઘાસના પર્ણ ઉપર રહેલા ઝાકળબિંદુ જેવું છે. તેઓએ પ્રાર્થના ગીત ‘મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે’ ની માર્મિકતા સમજાવી હતી અને વિદ્યાર્થીનીઓને જ્ઞાન તરબોળ કર્યા હતા.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ.અનુપમભાઈ આર.નાગરે પ્રસંગોચિત ઉદબોધન આપતા ટી=ટ્રુથ, ઈ=એન્થ્યુઝીયાઝમ, એ=એક્શન, સી= કેર એન્ડ કેરેક્ટર, એચ=વિનમ્રતા, ઈ=ઇન્ક્રીઝ્મેન્ટ, આર= રિસ્પોન્સિબિલિટી એટલે ટીચર.- એવો સુંદર અર્થ વિદ્યાર્થીનીઓને સમજાવ્યો હતો અને શિક્ષકની ભૂમિકામાં રહેલી કોલેજની 121 વિદ્યાર્થીનીઓને બિરદાવી હતી.
શિક્ષક દિવસ ઉજવણી સંદર્ભે કોલેજની 15 દીકરીઓ દ્વારા નાટ્યગુરુ ચેતનભાઈ દવે રચિત, દિગ્દર્શિત નાટ્યકૃતિ ‘ગુરુકૃપા’ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કિરણકુમાર થાનકીએ ‘શિક્ષકની મહત્તા’ અને સીમા રાયસાહેબ ખારવાએ ‘એક શ્રેષ્ઠ ગુરુ કે રૂપ મેં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન’ વિષયક વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે નાટ્યકૃતિ ‘ગુરુકૃપા’માં ભાગ લેનાર દીકરીઓ અને NCC વિભાગમાં ‘એ’ ગ્રેડ પ્રાપ્ત કરનાર કેડેટ પૂજા વિરમભાઇ સીડા અને ઈતિશા જોશીને કોલેજના પ્રો. ડૉ. કેતકીબેન પંડ્યા તરફથી મહેમાનના હસ્તે મોમેન્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ.અનુપમભાઈ આર.નાગરના માર્ગદર્શન હેઠળ કોલેજના વાઈસ પ્રિન્સિપાલ પ્રો.રોહિણીબા જાડેજાએ, પ્રો.ડૉ.કેતકીબેન પંડ્યા અને પ્રો.ડૉ.શર્મિષ્ઠા પટેલે કર્યું હતું.