અમદાવાદઃ કોરોનાના દર્દીના હોમ ક્વોરેન્ટાઇન માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા પ્રમાણે એચઆઈવી, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર થેરેપીના દર્દીઓને હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવશે નહીં. કોરોનાની સારવાર આપતા તબીબો દ્વારા દર્દીને એસિમ્પ્ટોમેટિક એટલે કે તેને કોરોના વાઈરસને ચેપ હોવા છતાંય તેના ચિહ્નો દેખાતા ન હોવાથી ચેપનો શિકાર બન્યો હોવાનું જાહેર કરવામાં આવે કે તેને હળવો ચેપ હોવાનું જાહેર કરે તથા તેને ચેપ નથી પણ ચેપ લાગવાની શક્યતા હોવાનો નિર્દેશ આપે તો તેવા દર્દીઓ પોતાના ઘરમાં સમાજથી અલગ રહીને પોતાની સારવાર કરાવી શકે તે માટેની માર્ગદર્શિકા કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આજે જાહેર કરી છે.

આમ, તો 30મી મેએ જ સરકારે કોરોનાનાં હળવા, મધ્યમ અથવા ગંભીર લક્ષણો ધરાવતાં દર્દીઓને કોવિડ કેર સેન્ટર, ડેડીકેટેડ કોવિડ આરોગ્ય કેન્દ્ર અથવા ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા સૂચનો જારી કરી હતી. અત્યારે એસિમ્પ્ટોમેટિક લક્ષણો ધરાવતા કેસો વધતા આ માર્ગદશકામાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

અખબારી યાદીમાં જણાવાયું છે કે દર્દીની સારવાર કરતા મેડીકલ ઓફિસર દ્વારા દર્દીને એસિમ્ટોમેટિક, વેરી માઈલ્ડ સિમ્ટોમેટિક અને પ્રિ-સિમ્ટોમેટિક તરીકે દર્શાવવામાં આવ્યો હોય તો તેને હોમ ક્વોરન્ટાઈન કરીને સાજા થવાની છૂટ આપી શકાશે. જોકે, દર્દી પાસે ઘરે આઈસોલેશન માટેની સુવિધા હોવી જોઈએ તથા તેના સંપર્કમાં આવતા લોકો માટે પણ આઈસોલેશન સુવિધા હોવી અનિવાર્ય છે. માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા તેમજ એચઆઈવી, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર થેરેપીના દર્દીઓને હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવતી નથી.

60 વર્ષથી વધુ ઉમરના વૃદ્ધ દર્દીઓ અને હાયપરટેન્શન, ડાયાબિટીઝ, હ્રદયરોગ, ક્રોનિક ફેફસાં, યકૃત, કિડની તેમજ સેરેબ્રો-વેસ્ક્યુલર જેવાં રોગની ધરાવતા દર્દીઓને સારવાર કરતાં તબીબી અધિકારી દ્વારા યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ હોમ આઇસોલેશન માટેની મંજૂરી આપવામાં આવશે.

દર્દીની સંભાળ રાખવા માટે એક વ્યક્તિ 24 કલાક હાજર હોવી જોઈએ તેમજ આઇસોલેશનના સમયગાળા દરમિયાન દર્દી અને હોસ્પિટલ વચ્ચે યોગ્ય કમ્યુનિકેશન થાય તે અનિવાર્ય છે. દર્દીના સંભાળ રાખનાર તેમજ દર્દીના નજીકના બધા સંપર્કોએ અને સારવાર કરતાં ડાક્ટર્સ દ્વારા સૂચવ્યા મુજબ હાઇડ્રોક્સિક્લોરોક્વિન પ્રોફીલેક્સીસ લેવી જોઈએ.