અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ દિવસને દિવસે વધી રહ્યા છે. જોકે અમદાવાદમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો ચોક્કસ આવ્યો છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી લાંબી જ થતી જઈ રહી છે. ગઈકાલે વધુ 26 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 2 સ્થલોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કુલ 84 સ્થળો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની યાદીમાં સમાવેશ છે.


ગઈકાલે બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર સૌથી વધુ પશ્ચિન ઝોનની 8 સોસાયટીઓ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં 3, ઉત્તર પશ્ચિમ ઝોનની 5, પૂર્વ ઝોનની 4, મધ્ય ઝોનની 1 અને દક્ષિણ પશ્ચિમ ઝોનની 4 સોસાયટીને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે.



અખબારી યાદી અનુસાર, ચાંદખેડાના સંસ્કાર કેન્દ્ર સોસાયટીના 100 મકાનના 350 લોકો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. પૂર્વઝોનની મીરાપાર્ક સોસાયટીના 110 મકાનના 523 રહીશો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે જુહાપુરાની ફઝલ-રહેમાન સોસાયટીમાં 140 મકાનોમાં 600 લોકો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે.

આ ઉપરાંત બે સ્થળોને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ઝોનમાં વટવાની સ્વામિનારાયણ સોસાયટી, અને ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવના ગેલેક્સી ટાવરને દૂર કરવામાં આવ્યા છે.