અમદાવાદઃ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા માટે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે 30 લાખ રૂપિયાની સોપારી શંશીકાંત ઉર્ફે બિટિયા દાદાને આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. એસઆઈટી દ્વારા શંશીકાત ઉર્ફ બિટિયા દાદા અને અશરફ શેખને સાપુતારાના તોરણ ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લીધા જેમાં આ વિગત ખુલી છે. સોપારી લેનાર શંશીકાત અને અશરફની ધરપકડ પરથી હત્યા કઈ રીતે થઈ અને કોણે શાર્પ શૂટરોને મદદ કરી તેની રજેરજની વિગતો મળી છે. બે શાર્પશૂટરો પકડાયા પણ તેઓનો ત્રીજો સાગરીત હજુ ફરાર છે.




જયંતી ભાનુશાળી કેસ મામલે સીઆઈડી ડીજી આશિષ ભાટીયા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતા કહ્યું કે, જયંતી ભાનુશાળી કેસમાં વધુ બે શાર્પ શૂટરોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેમાં શશિકાંત દાદા ઉર્ફે કાંબલે અને અશરફ અનવર શેખ નામના બે શાર્પ શૂટરોની ધરપકડ કરી લેવામાં આવી છે.



CID DG આશિષ ભાટીયાએ કેસ મુદ્દે સમગ્ર ખુલાસો કરતા કહ્યું કે, ઝડપાયેલા શાર્પશૂટરો પાસેથી કેસ મુદ્દે કેટલીએ મહત્વની માહિતી બહાર આવી છે. તેમણે કહ્યું કે, આરોપીઓની કબુલાત અનુસાર, છબીલ પટેલે ભાનુશાળીની હત્યા માટે સોપારી આપી હતી, આની માટે 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, બે શાર્પશૂટર ઝડપાયા છે, જેમાં શશિકાંત સામે વિરુદ્ધ પુનામાં પણ 10થી 12 કેસ છે, આ તમામ કેસ મર્ડર અને મારામારીના છે. જ્યારે અશરફ અનવર શેખ ચોરી જેવા ગુનામાં સંડોવાયેલો હોવાની માહિતી સામે આવી છે.