અમદાવાદ: શહેર કોટડા પોલીસ સ્ટેશનના નિર્માણધીન ઇમારતની દીવાલ ધરાશાયી છે. જે બાદ લોખંડનો દરવાજો બાળક માથે પડતા તેનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત બાળકને શારદાબેન હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. એક બાળકની ઉંમર 6 વર્ષ અને એકની 7 વર્ષ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમા અરેરાટી મચી ગઈ છે. 


ગુજરાતમાં આ વિસ્તારમાં પડશે હાડ થીજવતી ઠંડી


હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. નલિયા અને કચ્છમાં કેટલા વિસ્તારમાં આજે અને કાલે કોલ્ડ વેવની આગાહી છે. આગામી 3 દિવસમાં હજુ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે. અમદાવાદમાં તાપમાન 12 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. ઉતરી પવન ફૂંકાવાની શરૂઆત થતાં તાપમાન ગગડ્યું છે.


રાજ્યમાં ઠંડીનો ચમકારો


રાજ્યમાં આખરે ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.  આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી ઘટવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  ત્યારે ગુરૂવારે રાજ્યના 13 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે રહ્યો હતો. રાજ્યમાં નલિયામાં સૌથી નીચુ 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે  ગાંધીનગરમાં ઠંડીનો પારો 11.9 ડિગ્રી પર પહોંચ્યો છે. ભૂજમાં ઠંડીનો પારો 12 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં ઠંડીનો પારો સાત ડિગ્રી સુધી ઘટીને 12.8 ડિગ્રી પર પહોંચી ગયો છે. મહુવામાં ઠંડીનો પારો 13.1 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમરેલી અને સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે વલ્લભવિદ્યાનગર અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 14.7 ડિગ્રી પર પહોંચ્યો છે. પોરબંદરમાં ઠંડીનો પારો 15.8 ડિગ્રી, દ્વારકામાં 16.9 ડિગ્રી, ભાવનગરમાં ઠંડીનો પારો 17 ડિગ્રી પર પહોંચ્યો છે. સંઘપ્રદેશ દમણમાં ઠંડીનો પારો 17.2 ડિગ્રી, વલસાડમાં ઠંડીનો પારો 17.5 ડિગ્રી, સુરતમાં 17.8 ડિગ્રી તો વેરાવળમાં ઠંડીનો પારો 18.5 ડિગ્રી પર પહોંચ્યો છે.


મહિસાગર જિલ્લામાં સર્જાઈ યુરિયા ખાતરની અછત


ગુજરાતમાં હાલ શિયાળુ વાવેતર પૂર જોશમાં થઈ રહ્યું છે. ખેડૂતો તેમના પાક વાવી દીધા છે અને હવે તેમને ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે. આ દરમિયાન મહિસાગર જિલ્લામાં યુરીયા ખાતરની અછત ઉભી થઈ છે. લુણાવાડામાં ખાતર ડેપો પર લાગ્યા યુરિયા ખાતર નથી ના બોર્ડ લાગ્યા છે. મહિસાગર જિલ્લાના વેચાણ સંઘ પર યુરીયા ન મળતાં ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. યોગ્ય સમયે યુરિયા ખાતર ન મળતાં ખેડૂતોને  શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. પાંચ થી છ દિવસ પછી ગઈ કાલે માત્ર એક ગાડી આવી હતી, જે બાદ આજે પછી ખાતરની અછત યથાવત છે. જેને લઈ પૂરતો જથ્થો હોવાના સરકારના દાવા ગ્રામ્ય લેવલમાં પોકળ સાબિત થયા છે. માંગ સામે પૂરતો જથ્થો ન આવતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખાતર ક્યારે આવશે તે પણ હજી નિશ્ચિત નથી.