Ahmedabad News: ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારતમાં પણ તેનો ડર પાછો ફર્યો છે. ઓમિક્રોનનું સબ વેરિઅન્ટ BF.7 ચીનમાં કહેર વર્તાવી રહ્યું છે. હવે ભારત પણ આ અંગે એલર્ટ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ સિવાય અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓએ કોવિડ-19 માટેની તૈયારીઓ અને પ્રોટોકોલની સમીક્ષા કરવા બેઠક યોજી હતી. જેમાં ભીડભાડવાળી જગ્યાઓએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવા, જીનોમ સિક્વન્સિંગ વધારવા અને કોરોના રસીનો ત્રીજો ડોઝ લોકોને વહેલી તકે આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોન્ફરન્સ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી કનવેશન હોલ ખાતે CA ના વિદ્યાર્થીઓ માટે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે કહ્યું, આપણે સૌ સાથે મળી બદલાવ લાવ્યા. કોરોના પાછો શરૂ થયો છે તેમ કહી લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આજે ભારત વિશ્વનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર બન્યું છે ત્યારે આ અમૃતકાળમાં રાજ્ય અને દેશને વિકાસના શિખરે લઈ જવા CA પ્રોફેશનલ્સના શ્રેષ્ઠ યોગદાન માટે અનુરોધ કર્યો.
કોરોનાના વધતાં કહેર વચ્ચે નાકથી લેવાતી રસીને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ચીન સહિત ઘણા દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કટોકટીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાકની રસી મંજૂર કરવામાં આવી છે. આને બૂસ્ટર ડોઝ તરીકે લાગુ કરી શકાય છે. નિર્ણય મુજબ નાકની રસી પહેલા ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે. ભારત સરકારની મંજૂરી બાદ આજથી (23 ડિસેમ્બર) કો-વિન પોર્ટલમાં અનુનાસિક રસીનો સમાવેશ કરવામાં આવશે.