અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. જેમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકોનો સહારો અમદાવાદ પોલીસ બની છે. શહેરમાં ભિક્ષાવૃતિ કરતા બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.  પોલીસનો આ માનવલક્ષી પ્રોજેક્ટ શહેરમાં ચલાવવામાં આવી રહ્યો છે. ચાઇલ્ડ વેલફેર કમિટીને જાણ કરી સંરક્ષણ ગૃહમાં આ બાળકોને મોકલવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા આવા બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્યની કાળજી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે.  






મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દ્વારા પણ પોલીસની આ સરાહનીય કામગીરી બદલ વખાણ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું,  ગરીબ, નિરાધાર, નિરાશ્રિત બાળકોને ભણવા-રમવાની ઉંમરે ભિક્ષાવૃત્તિ કરવી પડે એ કેટલું દુઃખદ છે. નહીં? વિવિધ કારણોસર શહેરોમાં ભિક્ષાવૃત્તિ કરતા આવા બાળકોનો સહારો બનીને ગુજરાત પોલીસે તેમના શિક્ષણ-સ્વાસ્થ્યની કાળજી રાખવાનું ઉમદા કામ ઉપાડ્યું છે. આ બાળકોને તેમનું બાળપણ પાછું મળ્યું છે. પોલીસકર્મીઓની આ સંવેદનાને બિરદાવું છું. 


છેલ્લા ઘણાં સમયથી શહેરમાં રોડ રસ્તાઓ પર મોટી સંખ્યામાં આવા ભિક્ષાવૃત્તિ કરતા બાળકો જોવા મળે છે. અમદાવાદ શહેર પોલીસને આ વાત ધ્યાને આવી હતી. જેને લઈને પોલીસ કમિશનરની સૂચના બાદ પોલીસે એક ટીમ તૈયાર કરી હતી. જેમાં શહેરના ટ્રાફિક પોઈન્ટ પર ભિક્ષાવૃતિ કરતા બાળકોને શોધી તેમના શિક્ષણ અને સ્વાસ્થ્યની કાળજી લેવાનું કામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.   






ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એક્સ પર પોસ્ટ કરી ગુજરાત પોલીસની પ્રશંસા કરી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરી લખ્યું,  ગુજરાત પોલીસને તેમની અદ્ભુત પહેલ માટે અભિનંદન.  શિક્ષિત, સશક્ત: બાળકો માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવું. આપણે સાથે મળીને એક સારા આવતીકાલનું નિર્માણ કરી શકીએ છીએ!


સૌથી પહેલાં પોલીસે ભિક્ષાવૃત્તિ કરતા બાળકોની માહિતી એકઠી કરી હતી.  નાના બાળકો જે જાતે અથવા તેમના માતા પિતા કે દાદા દાદી સાથે મળીને ભિક્ષાવૃત્તિ કરતા હોય તેવા લોકોને પોલીસે શોધી કાઢ્યાં હતા.  ઓપરેશન ચાઇલ્ડ રેસક્યૂ શરૂ કરી પોલીસ સવારથી રાત્રી સુધી આવા ભિક્ષાવૃત્તિ કરતા બાળકો સુધી પહોંચી છે અને આવા બાળકોને બચાવવાની માનવલક્ષી કામગીરી અમદાવાદ પોલીસે હાથ ધરી છે.