અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. ચારથી પાંચ દિવસ ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઈને હળવા વરસાદ પડે તેવી શક્યતા છે.


છેલ્લાં એક મહિનામાં ચાર વાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હિમવર્ષાની અસરોથી શુક્રવાર સાંજથી ઠંડા પવનોનું જોર વધી ગયું છે. શનિવારે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે 10થી 15 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનથી ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું. 


અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં 3.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3.9 ડિગ્રી જેટલું ગગડતાં ગરમી ઘટી હતી. ઠંડા પવનને કારણે સાંજ પડતાં અમદાવાદમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં અનેક જગ્યાએ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઠંડા પવનથી અમદાવાદ સહિત રાજ્યનાં તાપમાનમાં ઘટાડો થયો હતો. રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગર 14 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ઠંડા અને 35.0 ડિગ્રી સાથે મહુવા સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને હળવા વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.