અમદાવાદ: ભાજપાના દિલ્હીના સાંસદ પ્રવેશ સિંહ વર્મા વિવાદમાં સામે આવ્યા છે. તેમની સંસ્થાએ ગુજરાતના દુધઇ ગામમાં ગેરરીતિ આચરી હોવાની માહિતી સામે આવી છે.પુનર્વસનના નામે ગામની સરકારી જમીન ટ્રસ્ટના નામે કરી કૌભાંડ આચર્યું છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહેબસિંહ વર્માની રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાએ દુધઇ ગામ દત્તક લીધું હતુ. સાહેબસિંહના પુત્ર સાસંદ પ્રવેશ વર્મા સંસ્થાનું સંચાલન કરે છે. 




કેટલીક દુકાનો ભુકંપ પીડિતોને આપી બાકીની બારોબાર વેચી દીધી




કોંગ્રેસ મહામંત્રી વિકે હુંબલે કહ્યું કે, વર્ષ ૨૦૦૧ માં કચ્છના ભુંકપ બાદ અનેક સંસ્થાઓએ પુર્નવસનની કામગીરી કરી ભૂકંપ પિડિત પરિવારને મકાન આપ્યા. જરૂરી સુવિધાઓ ઉભી કરી આપી. રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાએ માત્ર છ મહિનામાં ગામ તૈયાર કર્યુ જેનું  અટલ બિહારીએ લોકાર્પણ કર્યુ. જો કે,  એક પણ ઘરમાં સૌચાલય ન બનાવ્યું ઉપરાંત ફ્લોરીંગ બરાબર ન હતુ. આજે ૨૨ વર્ષ બાદ પણ સંસ્થા દુધઇ ગામમાં અડિંગો જમાવી બેઠી છે અને અનેક સરકારી જમીનનો પર દબાણ કર્યુ છે. કેટલાક સર્વે નંબર સંસ્થાએ ખરીદ કર્યાં, બીન ખેતી જમીન ન હોય તેના પર ગેરકાયદે બાંધકામ કર્યા. શોપીંગ સેન્ટર બનાવ્યા, કેટલીક દુકાનો ભુકંપ પીડિતોને આપી બાકીની બારોબાર વેચી દીધી.




સરકારમાં પ્રીમિયમની જે રકમ ભરવાની થાય છે તે ભરી નથી


આ ઉપરાંત સંસ્થાએ જે મકાન બનાવ્યા હતા તે પૈકી ૧૫૦ મકાનો પોતાની પાસે રાખી ખાનગી વ્યક્તિને વેચી દીધા છે. ભૂકંપના ૨૨ વર્ષ બાદ પણ આજે  દુધઇમાં અનેક લોકો મકાન વિહોણા છે. ગામ વસાવ્યા બાદ હજુ તે ગ્રામ પંચાયતને સુપ્રત કરાયું નથી. જે કોમ્યુનિટિ હોલ બનાવ્યો છે તેનુ ૨૫૦૦૦ ભાડુ સંસ્થા વસુલ કરે છે. ગ્રામ પંચાયતને વિકાસનું કોઇ કામ ગામની જમીન પર કરવા દેવામાં આવતુ નથી. પોલીસ સ્ટેશન અને પોસ્ટ ઓફીસ પાસેથી ભાડુ વસુલ કરે છે. જે સ્કુલ અને કોલેજ ચાલે છે તેમાં મોટી ફી વસુલ કરવામાં આવે છે. ખાનગી કંપનીના કર્મચારીઓને મોટા ભાડે  મકાન ભાડે અપાવામાં આવે છે. સંસ્થાના મેનેજરે ૨૨ મકાનો પોતાના નામે કરાવ્યા  છે. સરકારે પુનર્વસન માટે ૩૫ એકર જમીન ફાળવી હતી. ગેરકાયદે બનેલા મકાનો અને કોમ્પલેક્ષ અંતર્ગત લેન્ડગ્રેબીંગનો કેસ દાખલ થવો જોઇએ તેવો આક્ષેપ કોંગ્રેસ નેતાએ કર્યો છે.