અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ આઠેય બેઠકો પર કોંગ્રેસના કારમો પરાજય થયો છે. આ પૈકી મોરબી બેઠક પર કોંગ્રેસના જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલનો બ્રિજેશ મેરજા સામે માત્ર લગભગ 4689 મતની પાતળી સરસાઈથી પરાજય થયો છે. ભારે રસાકસી બાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા બ્રિજેશ મેરજાની જીત થઈ હતી.


આ પેટાચૂંટણીમાં કચ્છની અબડાસા બેઠક પર ભાજપે ઉભા કરેલા બે મુસ્લિમ ઉમેદવારોના કારણે કોંગ્રેસની હાર થઈ હોવાની ચર્ચા છે પણ વાસ્તવમાં અબડાસા કરતાં વધારે મોટી ગેઈમ ભાજપે મોરબીમાં ખેલી હોવાનું કહેવાય છે. મોરબીમાં કોંગ્રેસના દલિત-મુસ્લિમ મતોને તોડવા માટે ઉભા કરેલા ચાર ઉમેદવારોએ મેરજાને જીતાડ્યા હોવાનું કહેવાય છે.

આ બેઠક પર અપક્ષ ઉમેદવાર વસંતલાલ દામજીભાઈ પરમારને 6649 મત, અપક્ષ ઉમેદવાર નિજામભાઈ ગફુરભાઈ મોવરને 3162 મત, અપક્ષ ઉમેદવાર ઈસ્માઈલ બલોચને 2107 મત અને અપક્ષ ઉમેદવાર સિરાજ અમીરઅલી પોપટિયાને 1236 મત મળ્યા છે. આ ચારેય ઉમેદવારોના મતોનો કુલ સરવળો 13,154 થાય છે. આ મતો કોંગ્રેસના ઉમેદવારને મળ્યા હોત તો બ્રિજેશ મેરજા હારી ગયા હોત.

આ વિસ્તારમાં એવી ચર્ચા છે કે, ભાજપે આ ચોકડીને ઉભી કરી હતી ને તેમણે કોંગ્રેસને હરાવવાનું કામ પાર પાડ્યું.