કમળાબેન ચાવડા છેલ્લા ત્રણ પ્તાહથી કોરોનાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. તેમનો 28 એપ્રિલે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં ભરતી કરાયાં હતા. સારવાર પછી તેમના બે રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. હવે કમળાબેન ચાવડાને 14 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રખાશે.
ગુજરાતમાં કોરોનાવાયરસનો ચેપ લાગવાથી કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખનું નિધન થઈ ગયું પછી તરત કમળાબેન ચાવડા 28 એપ્રિલે કોરોનાવાયરસના ચેપનો ભોગ બન્યાં હતાં. કમળાબેન ચાવડા પણ શેખના મતવિસ્તાર બહેરામપુરા વિસ્તારનાં કોર્પોરેટર છે. બદરુદ્દીન શેખના નિધનને માંડ બે દિવસ થયા હતાં ત્યાં પૂર્વ કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો.
કમળાબેન બે દિવસથી શારીરિક ગભરામણ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં હતાં. રવિવારે 27 એપ્રિલે રાત્રે આ સમસ્યા વધી ગઈ હતી અને ગભરામણ વધી જવાવાથી તેમને SVP હોસ્પિટલમાં ભરતી કરાયાં હતાં. SVP હોસ્પિટલમાં ભરતી કરાયા બાદ રિપોર્ટ કઢાવતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ભરતી કરવામાં આવ્યાં હતાં.
આ પહેલાં કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઈસોલેસન વોર્ડમાં રખાયા હતા. ખેડાવાલા સારવાર લઈને સાજા થઈ ગયા છે જ્યારે બદરૂદ્દીન શેખનું કોરોનાવાયરસના ચેપના કારણે દુઃખદ નિધન થઈ ગયું હતું. હવે કમળાબેન સાજાં થઈ જતાં તેમના પરિવારને રાહત થઈ છે.