અમદાવાદમાં કોરોના સામેની કામગીરીના કારણે સરકાર સાથે સંઘર્ષમાં આવેલા 2001 બેચના સનદી અધિકારી વિજય નેહરાની ગુજરાત સરકારે બદલી કરીને ગ્રામ વિકાસ કમિશનર અને ગ્રામ વિકાસ વિભાગના સચિવનો સંયુક્ત હવાલો સોંપાયો છે. તેમના સ્થાને હાલ અમદાવાદના પ્રભારી કમિશ્નર અને 1996 બેચના આઇએએસ મુકેશ કુમારને અમદાવાદના કમિશ્નર તરીકે મૂકાયા છે.
ગુજરાતના સૌથી મોટા શહેરના કમિશનર પદેથી હટાવીને નેહરાને સામાન્ય વિભાગમાં મૂકાયા એ સજાનો સંકેત હોવાનું મનાય છે. સરકાર સાથે સંઘર્ષ પછી નેહરાએ પોતે કોઇ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાની જાહેરાત કરીને ક્વોરન્ટાઇન થઇ ગયા હતા. તેમના સ્થાને તેમના પુરોગામી અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન મુકેશ કુમારને પ્રભારી કમિશનર તરીકે મુકાયા હતા. રાજ્ય સરકારે અમદાવાદમાં કેસ વધતાં હોવાથી વરિષ્ઠ અધિકારી રાજીવ કુમાર ગુપ્તાને સ્થિતિ સંભાળવા નિયુક્ત કર્યા હતા.
નેહરાએ થોડા દિવસ પહેલાં જ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને થોડા દિવસમાં જ તેઓ સેવામાં પરત ફરશે. નેહરા ફરી હાજર થાય તે પૂર્વે જ સરકારે તેમની બદલી કરી નાંખી છે. મુકેશકુમારને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે રેગ્યુલર પોસ્ટીંગ આપવામાં આવતા તેમની હાલની જગ્યા વાઇસ ચેરમેન અને સીઇઓ, ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં અવંતિકાસિંઘ ઓલખને મૂકવામાં આવ્યા છે. અવંતિકાસિંઘ તાજેતરમાં જ વિદેશમાં લાંબા સમયની તાલીમ પૂર્ણ કરીને પરત ફર્યા છે.