Ahmedabad : મિશન 2022 એટલે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના આગેવાનો 18 જૂનથી રાજ્યના ચારેય ઝોનમાં બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાની આગેવાનીમાં બેઠકનું આયોજન થશે.
રાજ્યના ચાર ઝોનમાં કોંગ્રેસની બેઠક
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે માહિતી આપતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ 18 જૂને દક્ષિણ ગુજરાત, 19 જૂને મધ્ય ગુજરાત, 21 તારીખે ઉત્તર ગુજરાત અને 23 જૂને સૌરાષ્ટ્રમાં બેઠક કરશે. કોંગ્રેસ આગેવાનો સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો, જિલ્લા પ્રમુખ સાથે બેઠક યોજશે.
કોંગ્રેસની નવી રણનીતિ
આ બેઠક અંગે વાત કરીએ તો તાલુકા પર વિશેષ ધ્યાન આપવા કોંગ્રેસે રણનીતિ ઘડી છે. આ બેઠકમાં સંગઠનને સોંપેલી જવાબદારીનું મૂલ્યાંકન થશે. કોંગ્રેસ પક્ષ સાથે વધુમાં વધુ લોકોને જોડવા અંગે પણ ચર્ચા થશે. તો આ સાથે જ સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાને ઉઠાવવા સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરાશે.
કોંગ્રેસે જાહેર કર્યું સોનિયા ગાંધીનું હેલ્થ અપડેટ
કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને લઈને એક અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોનિયા ગાંધીની તબિયત વિશે જણાવ્યું કે 12 જૂને તેમના નાકમાંથી લોહી આવ્યું. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. સોનિયા ગાંધી હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં ડોક્ટરોની એક ટીમ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોનિયા ગાંધીની હેલ્થ અપડેટ જાહેર કર્યું. જેમાં તેણે કહ્યું કે સોનિયા ગાંધીને કોરોના થયા બાદ 12 જૂનના રોજ તેમના નાકમાંથી લોહી નીકળ્યું હોવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તરત જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.
જયરામ રમેશના જણાવ્યા અનુસાર ગઈકાલે એટલે કે 16 જૂને ગુરુવારે સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જયરામ રમેશે જણાવ્યું કે સોનિયા ગાંધીના શ્વસનતંત્રના નીચેના ભાગમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળ્યું છે. આ અને કોરોના પછી દેખાતા અન્ય લક્ષણોની સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે 2 જૂનના રોજ સોનિયા ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.