અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કોરોનાનું ગ્રહણ છે ત્યારે કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં સોમવાર સાંજથી લઈને સવાર સુધીમાં 13 અને સવારના 10 વાગ્યા બાદ વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ઓઢવ વોર્ડનાં કોંગ્રેસના મહામંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે દિવસ દરમિયાન સામે આવેલા 25 પોઝિટિવ કેસમાં 14 મહિલા અને 11 પુરૂષનો સમાવેશ થાય છે.

મોટા ભાગના કેસ અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 13ના મૃત્યુ થયા છે અને 11 લોકો સાજા થયા છે. આજે નોંધાયેલા કેસોમાં ઓઢવ અને નવા નરોડાનો પણ ઉમેરો થયો છે. આ ઉપરાંત જમાલપુર, મણિનગર, બહેરામપુરા, વેજલપુર, વટવામાં પણ કોરોના દર્દીઓ નોંધાયા છે.

બોપલના એક યુવકને કોરોના પોઝિટિવ આવતાં ક્રિષ્ના કોમ્પ્લેક્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. આ યુવકને રામોલની ફેક્ટરીમાંથી ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ગુલબાઈ ટેકરામાં આવેલા સ્લમ વિસ્તારમાં પોઝિટિવ કેસ આવતા AMC આરોગ્ય વિભાગની ટીમે વિસ્તારમાં ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરી છે. ક્વોરન્ટીન વિસ્તારમાં આવેલી ચાલીઓમાં પતરાની આડશ મૂકવામાં આવી છે. ગીચ અને સ્લમ વિસ્તાર હોવાથી ક્વોરન્ટીન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.