National Herald case: જ્યારથી નેશનલ હેરાલ્ડ કેસ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નોટીસ ફટકારવામાં આવી છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે કોંગ્રેસ દેશના અલગ અલગ ભાગમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાત રાખી રહી છે. તો આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલું અખબાર છે નેશનલ હેરાલ્ડ. અંગ્રેજોએ ભારત છોડો આંદોલન સમયે આ અખબાર બંધ કરાયું હતું. 90 કરોડ રૂપિયાનું દેવું આ અખબાર પર થયું હતું. 2002થી 2012 સુધી કોંગ્રેસે આ અખબારને રૂ. 90 કરોડ 100 હપ્તામાં ઉધાર આપ્યા હતા. રાજકીય પક્ષ આ રીતે ઉધાર ન આપી શકે તેવો કોઈ નિયમ નથી.


આ ઉપરાંત ચૂંટણી પંચે પણ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને જવાબ આપ્યો હતો કે કોઈ ખોટું નથી. કંઈ ખોટું ન થયું હોવા છતાં હેડલાઇન બનાવવા અને મુદ્દો ભડકાવવા નોટીસ મોકલવામાં આવી છે. એ અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે જે અવાજથી નરેન્દ્ર મોદી ડરે છે. મે ઘણા નેતા જોયા છે પણ મોદી જેવા કાયર નેતા નથી જોયા. નરેન્દ્ર મોદી કેટલા પણ ષડયંત્ર કરે પણ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ડરશે નહિં.



તો આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આવતીકાલે 9.30 કલાકે GMDC હોલમાં ભેગા થશે.   સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો અમદાવાદ આવશે. બાદમાં EDની ઓફિસે જઈને ધરણા કરીશું. આજે બારડોલીથી પાટીદાર યુવાનો બાઈક રેલી સ્વરૂપે સ્ટેડિયમ આવવાના હતા. સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ કરવા આ કાર્યક્રમ છે. આ યુવાનોને પણ રોકવામાં આવ્યા છે. ખેડૂતો, બેરોજગારો અને યુવાનોને આંદોલન કરવા દેવામાં આવતા નથી. સરકાર ડરે છે તેમની નિષ્ફળતા પ્રજા સમક્ષ આવી જશે. આવતીકાલે સરકારની આ નીતિ સામે ગુજરાત કોંગ્રેસ રણટંકાર કરશે. આ ઉપરંત તેમણે આરોપ લગાવ્યો કે, ધારાસભ્ય ભગાભાઈ અને પુંજાભાઈ પર ખોટા કેસ કરવામાં આવ્યા. અત્યારની પરિસ્થિતિએ ભાજપ 70થી વધુ બેઠકો જીતી નહીં શકે. આ રિપોર્ટ આવતા કોંગ્રેસને ડરાવવા ભાજપ આવા કામ કરી રહી છે.