અમદાવાદઃ કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યમાં શાંતિ અને એકતા જળવાઇ રહે તે માટે સદભાવના ઉપવાસ કર્યા હતા. ઉપવાસ બાદ અલ્પેશ ઠાકોરે પર પ્રાંતિય દીકરીના હસ્તે પારણા કર્યા હતા. મહત્વનું છે કે પર પ્રાંતિયો અને ગુજરાતીઓ વચ્ચે ભાઈચારા તેમજ શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ પર બેઠા હતા.
અલ્પેશ ઠાકોરે એક દિવસના સદભાવના ઉપવાસ બાદ બાળકોના હાથે પારણા કર્યા હતા. પારણા બાદ અલ્પેશ ઠાકોરે કહ્યુ હતું કે, મારા પર લાગેલા દાગ ધોવા માટે ઉપવાસ કર્યા હતા. નોંધનીય છે કે 14 માસની બાળકી પર બળાત્કાર બાદ સમગ્ર ગુજરાતમાં પરપ્રાંતિય પર હુમલાઓ થયા હતા. આ હુમલાઓ પાછળ ઠાકોર સેનાનો હાથ હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસ પર ભાજપે પ્રહાર કર્યો હતો અને કહ્યુ હતું કે, સો ચૂહે માર કે બિલ્લી કહાં ચલી..? બધા જ જાણે છે હિંસા કોણ ફેલાવે છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, હિંસાની ઘટનાની હું નિંદા કરું છું. હું આખા દેશમાં ફરીને શાંતિનો સંદેશ આપીશ. ગુજરાતમાંથી પ્રાંતવાદનો નારો નીકળે એ ખોટું છે.