ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. ગઈ કાલે મુખ્યમંત્રી રૂપાણીના આરોગ્યનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે ઇમરાન ખેડાવાલા સાથે મુખ્યમંત્રીને મળવા જનાર કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખનો કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે આજે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, તેમને 15 દિવસ હોમ ક્વોરેન્ટાઇનમાં ખસેડવામાં આવ્યા છે.


નોંધનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે એક જ કારમાં બેસીને ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર મુખ્યમંત્રીને મળવા ગયા હતા. જોકે, ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. ઈમરાન ખેડાવાલાની વાત કરીએ તો તેઓ હાલ, એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેમજ તેમની તબિયત સ્થિર છે.

ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈમરાન ખેડાવાલા સહિત ત્રણેય ધારાસભ્યો સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. તેમજ તેમના ખબર-અંતર પૂછી જરૂરી મદદ કરવાની ખાતરી પણ આપી હતી.