અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલ્ટો કરીને ભાજપમાં જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ સહિત હાઈકમાન્ડ ભારે ચિંતિત જોવા મળ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં વધારે ડેમેજ ન થાય તે માટે દિલ્હી હાઈકમાન્ડે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવને તાબડતોડ  ગુજરાત મોકલી દીધા છે.



એક બાજુ 12 માર્ચના રોજ કોંગ્રેસની CWCની બેઠક મળવાની છે ત્યારે ગુજરાતમાં તેની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે પણ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં પધાર્યા છે. તેઓએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે બેઠક કરશે અને નેતાઓની નારાજગી મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરશે.



અમદાવાદમાં આવ્યા બાદ રાજીવ સાતવે ભાજપ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, ભાજપના નેતાઓ મંત્રીઓ બનવા લાયક નથી એટલે કોંગ્રેસના નેતાઓની આયાત કરી રહ્યા છે. કોંગ્રેસ મુક્ત ભારત કહેનારનું હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થયું.



કોંગ્રેસની CWCની બેઠકમાં કાર્યક્રમોની સાથે લોકસભાના બાકી રહેલા ઉમેદવારની પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારો પણ નક્કી કરવા માટે બેઠકમાં ભારપૂર્વક ચર્ચા કરવામાં આવશે.


આ સાથે 12 માર્ચના કાર્યક્રમોની આયોજન કમિટી સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં કોંગ્રેસના પ્રમુખો અને વિપક્ષ નેતા સહિતના નેતાઓ હાજર રહેશે.