અમદાવાદઃ શહેરના વાડજ વિસ્તારમાં વૃદ્ધને હાર્ટ અટેક આવતા વિવાદ સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, પશુ પકડવાની ટીમ પહોંચતા વૃદ્ધને હાર્ટ અટેક આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ઢોર પકડો પાર્ટીના ગેરવર્તન અને મારના લીધે જામાભાઈ રબારીને હાર્ટ અટેક આવ્યો હતો. નોંધનીય છે કે માલધારી સોસાયટીમાં પશુઓ પકડવા ટીમ પહોંચી હતી. વાડાના પશુઓને પકડવા ટીમ આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ મનપાએ તપાસ શરૂ કરી હતી.




આ મામલે અમદાવાદ મનપાની ઓફિસનો માલધારી સમાજે ઘેરાવ કર્યો હતો. માલધારી સમાજના લોકો અમદાવાદ કોર્પોરેશન પહોંચ્યા હતા. માલધારી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઢોર પાર્ટી અને પોલીસ હપ્તા લે છે. બીજી તરફ એએમસીએ દાવો કર્યો હતો કે મૃતકને હ્યદયની સમસ્યા હોવાના કારણે હાર્ટ એટેક આવ્યો છે.


મૃતકના પરિવારજનોએ ઢોર પાર્ટીના લોકોએ મકાન તોડવાની ધમકી આપી હોવાનો અને તેમના પર હુમલો કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે માલધારી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.


માલધારી સમાજના આગેવાનો ઉસ્માનપુરા કચેરી પહોંચ્યા હતા અને જામાભાઈ રબારી નામના વૃદ્ધને ત્રણ કર્મચારીઓ દ્વારા ધક્કે ચડાવવામાં આવ્યા હોવાના કારણે હાર્ટ અટેક આવ્યો હતો. સાથે ચીમકી ઉચ્ચારી હતી કે જો AMC જવાબદાર કર્મચારીઓ સામે પગલાં નહિ લે તો મૃતદેહને AMC કચેરી લાવવામાં આવશે. છેલ્લા બે મહીનાથી પશુઓ પકડવા મામલે અત્યાચાર થતો હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો.                        


સ્થાનિકોએ કહ્યું હતું કે અમારો સમાજ સંઘર્ષમાં ઉતરવા માંગતો નથી. AMCની કાર્યવાહીથી અમે અમારા વડીલ ગુમાવ્યા છે. કેટલાક યુવાનો પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. ઘરે બાંધેલા પશુઓ લઈ જતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો.               


આ મામલે એએમસીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. એએમસીએ કહ્યું કે વૃદ્ધના અટેક આવવાની ઘટના અને પશુઓ પકડવાની ઘટનાને સબંધ નથી. જાહેર રોડ ઉપર પશુઓને બાંધી રાખવામાં આવ્યા હોવાથી કામગીરી કરવામાં આવી હતી.