અમદાવાદઃ જો તમે અમદાવાદમાં પિત્ઝા ખાવા જતા હોવ તો સાવધાન થઇ જજો. અમદાવાદમાં બ્રાન્ડેડ કંપની સમજીને તમે જ્યાં પિત્ઝા ખાવા જઈ રહ્યા છો ત્યાં પણ હવે પિત્ઝામાં જીવાત નીકળી રહી છે.


શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી. ગુરૂવારના ફરી શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિત્ઝામા જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી. એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહી પિત્ઝા ખાવા માટે ગયો હતો. ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી નાના-નાના જીવડા નીકળ્યા હતાં. જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક પિત્ઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો.


જોકે ગ્રાહકે બાદમાં અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસને જાણ કરતા તે પણ આવી પહોંચી હતી. સ્ટાફ તરફથી તેમને રિફંડ આપવાની વાત પણ કરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદના આધારે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક પિત્ઝા સેન્ટરને સીલ કર્યું હતું. આ અગાઉ વસ્ત્રાપુર સ્થિત લા પિનોઝ પિત્ઝા સેન્ટરમાં પણ ગંદકી મળી આવતા એકમને સીલ કરવામાં આવ્યું હતું.  


નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં ચાલુ માસમાં કોલેરા કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરની અંદર પાણીજન્ય તેમજ મચ્છરજન્ય કેસ 17 દિવસમાં જ 400થી પણ વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે બીજી બાજુ પાણીજન્ય કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે 10 દિવસમાં જ શહેરમાં કોલેરાના 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે..AMC ના હેલ્થ વિભાગના HOD ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસીપલ કૉર્પોરેશન દ્વારા સફાઇ કામદારો હેલ્થને ધ્યાનમાં રાખીને હેલ્થ ચેકઅપ કરવામાં આવી છે. જેમાં AMC દ્વારા તમામ સફાઇ કર્મચારીને સ્વાસ્થ્ય ધ્યાનમાં છેલ્લા 3 દિવસમાં 2600 વધુ કર્મચારીનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ માસમાં 8242 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 188 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 2009 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી કુલ 36 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.