અમદાવાદઃ દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે લોકો કોરોના ગાયબ થઈ ગયો હોય તેમ માનીને ખરીદી કરવા બજારમાં ઉમટી પડ્યા છે. લોકોની આ બેદરકારી તેમને જ ભારે પડી શકે છે. અમદાવાદના લાલ દરવાજા પારથરણા બજારમાં તો બપોરે પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી,.
અમદાવાદમાં શું છે સ્થિતિ
દિવાળી પર્વ નજીકમાં આવી રહ્યું છે એવા સમયે જ અમાદાવદમાં કોરોનાના શનિવારે નવા નવ કેસ નોંધાવા પામ્યા છે. આ અગાઉ ૧૭ સપ્ટેમ્બરે શહેરમાં એક જ દિવસમાં કોરોનાના ૧૧ કેસ નોંધાયા હતા. શનિવારે અમદાવાદમાં નોંધાયેલા કોરોનાના નવા નવ કેસોને પગલે શહેરીજનોએ સતર્ક બનવાની જરૃર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.શનિવારે કોરોનાથી એક પણ મોત થવા પામ્યુ નથી.છ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.શુક્રવારે શહેરમાં કોરોનાના ચાર કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં કેટલા નોંધાયા કેસ
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૪ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ ત્રીજા દિવસે એકપણ મૃત્યુ નોંધાયું નથી. શનિવારે દિવસ દરમિયાન વધુ ૩.૦૧ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૯, સુરતમાંથી ૬, વલસાડમાંથી ૫, નવસારીમાંથી ૨ જ્યારે જુનાગઢ-ખેડામાંથી ૧-૧ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૬,૪૦૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૧ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૬,૧૪૭ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૬% છે.
રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ
રાજ્યમાં હાલ ૧૬૮ એક્ટિવ કેસ છે અને પાંચ દર્દી વેન્ટિલેટર પર છે. વલસાડ ૪૬, અમદાવાદ ૩૨, સુરત ૨૪, નવસારી ૧૭, વડોદરા ૧૪ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે. શનિવારે ૩,૦૧,૦૨૬ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશનનો આંક હવે ૬.૮૬ કરોડ થયો છે.