Corona Update: અમદાવાદના કયા-કયા જાણીતા બ્રિજો મધરાતથી બંધ કરવામાં આવ્યા? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Apr 2020 09:17 AM (IST)
કોરોના પોઝિટિવના દર્દીઓ ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ. કોરોના પોઝિટિવના દર્દીઓ ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કાલુપુર ફ્રુટમાર્કેટ અને શાકમાર્કેટને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ કર્યો છે. આ ઉપરાંત નેહરુબ્રિજને પણ બંધ કરવા સૂચના આપી છે. નહેરુબ્રિજ પર હવે કોઈપણ ખાનગી વાહન અવરજવર કરી શકશે નહીં. આ ઉપરાંત જમાલપુર બ્રિજ અને એલિસબ્રિજને પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ અનિશ્ચિત સમય સુધી લાગુ કરવામાં આવ્યો છે. સૌથી સંક્રમિત અને કલસ્ટર ઝોન કાલુપુર ટાવર પાસે જ આવેલા છે અને ફ્રુટ અને શાકમાર્કેટ પણ આ જ વિસ્તારમાં આવેલા હોવાથી લોકડાઉનનો સંપૂર્ણ અમલ થાય તે માટે લોકો અવરજવર ન કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં વધુ વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં બોડકદેવના બે ફ્લેટ, જશોદાનગર ટેકરાની નવી વસાહત અને મકતમપુરા વિસ્તારમાં ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં અગાઉ 8 વિસ્તારો ક્લસ્ટર ક્વોરન્ટીન છે. ત્યારે હાલ શહેરમાં કુલ 14 વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.