અમદાવાદઃ કોરોના વાયરસનો ફેલાવો રોકવા જનતા કર્ફ્યૂને લીધે સમગ્ર અમદાવાદ સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 1960માં અપાયેલા જનતા કર્ફ્યૂના એલાનમાં આવી સ્થિતિ જોવા મળી હતી. 60 વર્ષ બાદ અમદાવાદીઓએ આવું બંધ જોયું. જનતા કર્ફ્યૂ પછી હવે 25 માર્ચ સુધી શહેરને સંપૂર્ણ બંધ રહેશે.




ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મુકેશ ગઢવીએ જણાવ્યું હતું કે, સોમવારથી શહેરના તમામ બજારો અને દુકાનો બુધવાર સુધી બંધ રહેશે. તેમણે ચેતવણી આપી હતી કે, દુકાન કે ઓફિસ બંધ નહીં કરનારા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને સીધા જેલમાં ધકેલી દેવામાં આવશે. દુકાનો અને બજારો ખૂલે નહીં તેની તકેદારી રાખવા કે ખૂલેલી દુકાનો-બજારો બંધ કરાવવા કોર્પોરેશને 400 ટીમ તૈનાત છે.



સાંજે પાંચના ટકોરે જ શહેરના એકે એક ફ્લેટ, સોસાયટી, હાઈરાઈઝ બિલ્ડિંગોથી માંડી પોળોમાં કોરોના સામે લોકોને રક્ષણ આપતાં મેડિકલ કર્મીઓને વધાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર અમદાવાદમાં લોકોએ થાળી અને તાળીઓ પાડીને લોકોને વધાવ્યા હતાં.



કોરોનાના વાઈરસનો નાશ કરવા મ્યુનિ.એ ફાયરના સાધનોથી શહેરના 110 સ્થળે 4 કરોડ લિટર એન્ટિ વાયરલ દવાનો છંટકાવ કર્યો હતો. ફાયર ટેન્ડરની પાઈપ સાથે બ્લોઅરની 16 નોઝલ 100 કિલો પ્રેશરથી અઢી મિનિટમાં 40 લિટર દવા છંટાઈ હતી.