અમદાવાદઃ અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે ત્યારે અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને પણ કોરોનાવાયરસનો ચેપ લાગી ગયો છે. ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ખેડાવાલાનો કોરોના રીપોપ્ટ પોઝિટવ આવતાં ગુજરાતના સંખ્યાબધ દિગ્ગજ નેતાઓ તથા અધિકારીઓને પણ ચેપ લાગવાનો ખતરો પેદા થયો છે. ખેડાવાલાએ મંગળવાર બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત તેઓ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને પણ મળ્યા હતા.

ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદીન શેખ એક જ કારમાં બેસીને ગાંધીનગર ગયા હતા. આમ ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવનારા આ તમામ નેતા તથા અધિકારીઓને કોરોનાવાયરસનો ચેપ લાગવાનો ખતરો પેદા થયો છે.

મુખ્યમંત્રીએ રૂપાણી સાથે પત્રકાર પરિષદ પછી લોકડાઉન અને અમદાવાદના કોટ વિસ્તારમાં લાદેલા કરફ્યુ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના 40 કરતાં વધારે પત્રકારો પણ સામેલ થયા હતા. તેના કારણે પત્રકારોને પણ કોરોના વાયરસનો ચેપ લાગવાનો ખતરો છે. આ બધાંએ પોતાના રિપોર્ટ કરાવવા પડશે પણ એ પહેલાં તમામે ક્વોરેન્ટાઈન થવું પડશે.