ગાંધીનગર : ગુજરાતમાં કોરનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે નવા 33 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 650 પર પહોંચી છે. ત્યારે અમદાવાદના કૉંગ્રેસના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈમરાન ખેડાવાલા આજે સવારે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી,નીતિન પટેલને મળ્યા હતા.


ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલ છેલ્લા ધણા દિવસોથી લોકોમાં જાગૃતતા લાવવા રિક્ષામાં ફરી અને લાઈડ સ્પીકર પર લોકોને ઘરમાં રહેવા અપીલ કરી રહ્યા હતા.

અમદાવાદમાં વધી રહેલા સતત કોરોના કેસને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદના કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. રૂપાણીએ આજે પોતાના બંગલે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને મળવા બોલાવ્યા હતા. જેમાં જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો સમાવેશ થાય છે. આ બેઠક બાદ કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારમાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.