અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોની કોરોનાના (Gujarat Corona Cases) કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને શનિવારે ૪૯૦ નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ ૨૬ માર્ચ બાદ પ્રથમવાર સૌથી ઓછા ૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. અત્યારસુધી કુલ ૯,૯૯૧ના કોરોનાથી મૃત્ય થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાથી કુલ મરણાંક ૧૦ હજારની નજીક છે. અત્યાર સુધી કુલ ૭,૯૯,૦૧૨ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ (Recovery Rate) ૯૭.૪૬% છે. રાજ્યમાં હાલ ૧૦૮૬૩ એક્ટિવ કેસ છે અને ૨૭૨ દર્દી વેન્ટિલેટર પર છે.


2 કરોડથી વધુ લોકોને રસી આપનારું ગુજરાત દેશનું ત્રીજું રાજ્ય


ગુજરાતમાં કોરોના રસીકરણની (Corona Vaccination) પ્રક્રિયા વધુને વધુ વેગવંતી બનાવવામાં આવી છે.  મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત હવે દેશનું માત્ર ત્રીજું એવું રાજ્ય બની ગયું છે જ્યાં રસીકરણનો આંક ૨ કરોડને પાર થયો છે. આમ, ગુજરાતમાં પ્રતિ ૧ લાખની વસતીએ સરેરાશ ૨૨,૪૦૦ વ્યક્તિ કોરોના રસીના ડોઝ લઇ ચૂકી છે. આ પૈકી વેક્સિનના બંને ડોઝ લેવામાં આવ્યા હોય તેની સંખ્યા ૪૫ લાખ છે. આ પ્રમાણે ગુજરાતમાં બંને ડોઝ લેનારા લોકોનું પ્રમાણ ૧ લાખની વસતીએ ૬૬૦૦ છે.


આ શહેરમાં સૌથી વધુ લોકોએ લીધી રસી


ગુજરાતમાં અત્યાર સુધી જે કુલ રસીકરણ થયું છે તેમાંથી ૨૩.૪૭ લાખ એટલે કે ૧૦%થી વધુ માત્ર અમદાવાદ શહેરમાંથી જ કરવામાં આવ્યું છે. સૌથી વધુ રસીકરણમાં સુરત કોર્પોરેશન ૧૬.૧૨ લાખ સાથે બીજા જ્યારે વડોદરા શહેર ૧૦.૨૬ લાખ સાથે ત્રીજા સ્થાને છે. અત્યારસુધી ડાંગમાંથી સૌથી ઓછા ૫૦,૨૦૯નું રસીકરણ થયું છે. સૌથી ઓછું રસીકરણ થયું હોય તેમાં ૧.૧૭ લાખ સાથે જૂનાગઢ કોર્પોરેશન અને ૧.૨૨ લાખ સાથે બોટાદનો પણ સમાવેશ થાય છે.




દેશના જે રાજ્યમાં ફૂલ્લી વેક્સિનેટેડ હોય તેમાં મહારાષ્ટ્ર ૫૧.૨૦ લાખ સાથે મોખરે, ગુજરાત ૪૫.૧૦ લાખ સાથે બીજા અને પશ્ચિમ બંગાળ ૪૦.૨૦ લાખ સાથે ત્રીજા સ્થાને છે. અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ૫.૩૦ લાખ વ્યક્તિ કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકી છે. ફૂલ્લી વેક્સિનેટેડમાં સુરત ૪ લાખ સાથે બીજા, વડોદરા ૨.૯૦ લાખ સાથે ત્રીજા, રાજકોટ ૨.૪૦ લાખ સાથે ચોથા અને જામનગર ૧.૨૦ લાખ સાથે પાંચમાં સ્થાને છે. આ સ્થિતિએ કહી શકાય કે પ્રતિ ૧ લાખની વસતીએ અમદાવાદમાંથી ૭૪૦૦, સુરતમાંથી ૭૮૦૦, વડોદરામાંથી ૭૮૦૦, રાજકોટમાંથી ૭૫૦૦ અને જામનગરમાંથી ૫૬૦૦ વ્યક્તિ કોરના રસીના બંને ડોઝ લઇ ચૂકી છે.


 કોવિશિલ્ડની રસી લેનારાનું પ્રમાણ વધારે


ગુજરાતમાં પુરુષ અને મહિલા વચ્ચે રસીકરણના ડોઝનો તફાવત ૧૨% થી વધુ છે. અત્યારસુધી ૮૪.૩૫ લાખ પુરુષ અને ૭૦.૭૮ લાખ મહિલાઓ દ્વારા કોરોના રસીકરણના ડોઝ લેવામાં આવ્યા છે.વયજૂથ પ્રમાણે જોવામાં આવે તો ૪૫-૬૦માંથી સૌથી વધુ ૫૯.૦૨ લાખ વ્યક્તિ કોરોના રસીના ડોઝ લઇ ચૂકી છે. ગુજરાતના વેક્સિનેશનમાં કોવિશિલ્ડનું પ્રમાણ ૧.૭૬ કરોડ જ્યારે કોવેક્સિનનું પ્રમાણ માત્ર ૨૪.૩૯ લાખ છે.