અમદાવાદમાં કોરોના વાઈરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, 28 વર્ષીય યુવતીમાં લક્ષણો દેખાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Feb 2020 09:06 AM (IST)
અમદાવાદમાં કોરોના વાઈરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેમાં એક 28 વર્ષીય ઋષિતા નામની મહિલાને અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાઈ છે.
અમદાવાદ: મંગળવાર સુધીમાં ચીનમાં કોરોના વાઈરસને કારણે 426 લોકોનાં મોત થયાં છે. ચીનમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવી નાખ્યો છે. ત્યારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો છે. મંગળવારે સાંજે બોપલ આંબલીના રહેવાસી એક મહિલા દર્દીને ખાનગી હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી છે. આ મહિલા દર્દી થાઈલેન્ડથી મુસાફરી કરીને આવ્યા હતા અને કોરોના વાઈરસના લક્ષણો જણાઈ રહ્યા હોય તેવું સામે આવ્યું છે, જોકે રિપોર્ટ બુધવાર સુધીમાં આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં કોરોના વાઈરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેમાં એક 28 વર્ષીય ઋષિતા નામની મહિલાને અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાઈ છે. મહિલાની સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે. તેમજ મહિલા દર્દીને કોરોના વાઈરસ છે કે નહીં તે અંગેની તપાસ કરવા માટે પૂણેની લેબમાં બ્લડ સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે. આ મહિલા થાઈલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી હતી. આ મહિલા 25 જાન્યુઆરીએ પતિ સાથે ફરવા માટે થાઈલેન્ડ ગઈ હતી અને 3 ફ્રેબુઆરીએ અમદાવાદ પરત ફરી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગુણવંત રાઠોડે જણાવ્યું કે, કોરોના વાઇરસનો એક શંકાસ્પદ કેસ દાખલ થયો છે, જેનો રિપોર્ટ બુધવાર સુધીમાં આવશે.