અમદાવાદ: અમદાવાદમાં કોરોનાનો કહેર થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 182 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક પહોંચી ગયો છે 2 હજારને પાર પહોંચી છે. જ્યારે વધુ ત્રણ લોકોનાં મોત થયા છે.

સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના 2003 કેસ નોંધાયા છે, જેમાંથી 86 લોકોનાં મોત થયા છે અને 115 દર્દીઓ સાજા થયા છે.

શહેરના મધ્ય વિસ્તારમાં અત્યાર સુધી કુલ 840 કેસ કોરોના પોઝિટિવના સામે આવ્યા છે. જેમાંથી સૌથી વધુ પુરુષ દર્દીઓના કુલ 553 અને 287 મહિલાઓના કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ જમાલપુર માં 444 કેસ નોંધાયા, જયારે ખાડિયા માં 170 દરિયાપુરમાં 113 શાહપુરમાં 78, શાહીબાગમાં 17 અને અસારવામાં 18 કેસ નોંધાયા છે

અમદાવાદ મહાનગરપાલિકાના 6 વોર્ડને કન્ટેઈનમેંટ એરિયા જાહેર કરાયા છે. એટલે કે આ 6 વોર્ડમાં આવતીકાલથી કોઈ દુકાનો શરૂ થઈ શકશે નહીં. જે છ વોર્ડને કન્ટેઈનમેંટ એરિયા તરીકે જાહેર કરવામા આવ્યા છે, મધ્યઝોનના જમાલપુર, ખાડીયા, દરિયાપુર અને શાહપુર વોર્ડનો, તો દક્ષિણ ઝોનમાં બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3071 પર પહોંચ્યો છે અને કુલ 133 લોકોનાં મોત થયા છે.  સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.