CORONAVIRUS: અમદાવાદમાં સતત કોરોનાને કેર વધતા દેખાઇ રહ્યો છે. આજે આવેલા તાજા સમાચાર પ્રમાણે, શહેરમાં વધુ ત્રણ લોકો કોરોના પૉઝિટીવ નીકળ્યા છે, કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં રાખીને તંત્ર એક્શન મૉડમાં આવ્યુ છે. અમદાવાદમાં હવે કોરોના ટેસ્ટિંગનો સ્કેલ પણ વધારવામાં આવ્યો છે, રેપિડ અને RTPCRમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તાજા માહિતી પ્રમાણે, અમદાવાદમાં ઠેર ઠેર કોરોના દર્દીઓ વધી રહ્યાં છે. કોરોનાના વધતા દર્દીઓને ધ્યાનમાં રાખતા હવે તંત્ર જાગ્યુ છે, અમદાવાદ તંત્ર દ્વારા રેપિડ અને RTPCR ટેસ્ટની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં અલગ-અલગ સ્થળોએ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે. અગાઉ 100 ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં હતા, તેની સંખ્યા હવે વધારીને 500 ટેસ્ટિંગની કરી દેવામાં આવી છે. શહેરમાં અર્બન હેલ્થ સેન્ટરમાં રેપીડ ટેસ્ટ અને ખાનગી લેબૉરેટરીમાં RTPCR ટેસ્ટ કરવામાં આવશે, 15 દિવસ અગાઉ શહેરમાં કોરોનાના 100 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા.
આજે અમદાવાદમાં વધુ 3 કેસ કોરોના પૉઝિટીવ સામે આવતા તંત્રએ તાબડતોડ એક્શન લેવાનું શરૂ કર્યુ છે. શહેરમાં આજે 2 પુરુષ અને 1 મહિલા કૉવિડ પૉઝિટીવ નીકળી હતી, સંક્રમિત થયેલા આ ત્રણેય દર્દીઓ બોડકદેવ, વેજલપુર અને ઓઢવ વિસ્તારના સ્થાનિક છે, આ ત્રણ પૈકી બે દર્દીઓ મહારાષ્ટ્ર અને મુંબઈથી અમદાવાદ આવ્યા પરત ફર્યા હોવાનું પણ સામે આવ્યુ છે. હાલ શહેરના 60 કેસ એક્ટિવ જેમાં એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે.
ઠંડી વધતાં કોરોનાની સાથે સાથે અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળા પણ વકરી રહ્યો છે. પાણીજન્ય રોગચાળામાં હાલ શહેરની સ્થિતિ ગંભીર દેખાઇ રહી છે. ડિસેમ્બર મહિનામાં કૉલેરાના 13 કેસ નોંધાયા છે, ડિસેમ્બર મહિનામાં ઝાડા ઉલ્ટીના 464 કેસ નોંધાયા છે. કમળાના 128 કેસ અને ટાઈફોઈડના 343 કેસ સામે આવ્યા છે. શહેરના વટવામાં 7 કોલેરાના કેસ, લાંભામાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમરાઈવાડી, ગોમતીપુર, વસ્ત્રાલ અને બહેરામપુરા વોર્ડમાં કોલેરાના એક-એક કેસ નોંધાયા છે.
કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા
ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) અનુસાર, અત્યાર સુધીમાં કેરળમાંથી JN.1 ના સૌથી વધુ 83 કેસ નોંધાયા છે. આ પછી ગોવામાં 51, ગુજરાતમાં 34, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 2 અને ઓડિશા અને દિલ્હીમાં એક-એક કેસ નોંધાયા છે.
INSACOG ડેટા અનુસાર, ડિસેમ્બરમાં દેશભરમાં નોંધાયેલા કુલ કોવિડ કેસમાંથી, JN.1 પ્રકાર 179 કેસોમાં જોવા મળ્યો હતો, જ્યારે નવેમ્બરમાં 17 કેસ નોંધાયા હતા.
કોવિડ-19ના 636 નવા કેસ નોંધાયા
આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે ભારતમાં કોવિડ -19 ના 636 નવા કેસ નોંધાયા છે. આ સાથે સક્રિય કેસની સંખ્યા વધીને 4,394 થઈ ગઈ છે. કોવિડના કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં બે કેરળના હતા જ્યારે એક તમિલનાડુનો હતો.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ગયા વર્ષે 5 ડિસેમ્બર સુધીમાં, કોરોનાના દૈનિક કેસોની સંખ્યા બે આંકડામાં આવી ગઈ હતી, પરંતુ JN.1 વેરિઅન્ટને કારણે, વાયરસના કેસ ફરી વધી રહ્યા છે. જાન્યુઆરી 2020 માં દેશમાં કોવિડ -19 ફાટી નીકળ્યા પછી, અત્યાર સુધીમાં 4.50 કરોડ કેસ નોંધાયા છે. લગભગ ચાર વર્ષમાં આ વાયરસને કારણે દેશભરમાં 5.30 લાખથી વધુ લોકોના મોત થયા છે.
JN.1 ના લક્ષણો
JN.1 એ કોવિડ વાયરસ (સબજેનસ ઓમિક્રોન) છે જે ફલૂ જેવા સિન્ડ્રોમનું કારણ બને છે. આમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો, વહેતું નાક જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ લક્ષણો શ્વસન વાયરલ ચેપ સૂચવે છે. લક્ષણો સામાન્ય છે. જો લક્ષણો બે દિવસથી વધુ સમય સુધી ચાલુ રહે અથવા તાવ વધુ હોય અથવા તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય અથવા ખાંસી ખૂબ આવે. આવી સ્થિતિમાં, જો તમે ઉચ્ચ જોખમ ધરાવતા જૂથમાં છો, તો તમારે તમારું RT-PCR પરીક્ષણ કરાવવું આવશ્યક છે.