અમદાવાદ: અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસનો આંક દસ હજારને પાર પહોંચી ચૂક્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં જે કેસ નોંધાયા છે તેમાંના 73 ટકા કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 10,001 કેસ સામે આવ્યા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 277 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાના કારણે વધુ 24 દર્દીઓનું મોત નિપજ્યું છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુઆંક 669 પર પહોંચ્યો છે..

24 કલાક દરમિયાન અમદાવાદમાં 206 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે. અમદાવાદમાં હવે ડિસ્ચાર્જ થનારાઓની કુલ સંખ્યા 3 હજાર 864 પર પહોંચી ચૂકી છે.

અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા એક સાથે 8 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે રાહતના રાહતના સમાચાર એ છે કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 10 સગર્ભા મહિલાઓ કોરોનાને મ્હાત આપી છે અને તેઓને ડિસ્ચાર્જ કરવામા આવી છે.



આ ઉપરાંત અમદાવાદ મનપાની આજે મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામા આવ્યા છે. એયરપોર્ટ સુધી કેબ અથવા ટેક્સી શરૂ થઈ શકે છે. હાલ રિક્ષા શરૂ કરવા માટે છૂટ નહીં આપવાનો નિર્ણય કરાયો છે. તો બેઠકમાં અમદાવાદ શહેરમાં થઈ રહેલા ટેસ્ટિંગને લઈ પણ ચર્ચા કરવામા આવી હતી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 396 કેસ સામે આવ્યા છે અને વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 289 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 13669 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 829 થયો છે.