ગાંધીનગરઃ આજે ગુજરાતમાં કોરોનાવાયરસના વધુ 7 કેસ સામે આવ્યા છે. આ તમામ કેસ અમદાવાદમાં જ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 38એ પહોંચી છે. આજે આવેલા પોઝિટિવ કેસોમાં એક સાત વર્ષીય બાળકીનો પણ સમાવેશ થાય છે. આ બાળકીને સ્થાનિક સ્તરેથી ચેપ લાગ્યો છે. તેમજ નાની ઉંમરની વ્યક્તિને કેસ લાગવાનો ગુજરાતનો આ પહેલો કિસ્સો છે.


આ અંગે ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં સામે આવેલા તમામ સાત કેસ અમદાવાદમાં નોંધાયા છે, જે ચિંતાજનક છે. આ સાત કેસોમાં 17 વર્ષીય કિશોર, 60 વર્ષીય મહિલા, 35 વર્ષીય યુવક, 30 વર્ષીય યુવતી, 7 વર્ષીય બાળકી અને 65 વર્ષીય પુરુષને સ્થાનિક સ્તરે ચેપ લાગ્યો છે. જ્યારે 68 વર્ષીય પુરુષની દિલ્લી ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે.

આ ઉપરાંત આજે કોરોનાથી પંચમહાલ જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે ગુજરાતમાં કોરાનાથી મોતનો આંકડો 8 ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 3 લોકોના મોત થયા છે.