અમદાવાદઃ આજે એક જ દિવસમાં અમદાવાદમાંથી કોરોનાના 50 કેસો સામે આવતા હાહાકાર મચી ગયો છે. આ તમામ કેસો અમદાવાદના હોટ સ્પોટમાંથી સામે આવ્યા છે. ત્યારે આ વિસ્તારોથી દૂર રહેવું જરૂરી છે. નહીંતર તમે પણ કોરોનાનો ભોગ બની શકો છો. અમદાવાદમાં કોરોના ક્લસ્ટર જાહેર કરાયેલા વિસ્તારોમાં દાણીલીમડા, બાપુનગર, રખિયાલ, આંબાવાડી, જમાલપુર, દરિયાપુર, કાલુપુરમાં માતાવાળી પોળ તથા ભંડેરી પોળને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવા માટે કોરોના હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગુજરાતમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 241 પર પહોંચી છે. આજે ગુજરાતમાં કોરોનાના 55 કેસો સામે આવ્યા છે, જેમાંથી અમદાવાદના 50 કેસો છે.



ગુજરાત સરકારે કોરોનાવાયરસનો ચેપ રોકવા માટે આક્રમક પગલાં ભરવા માંડ્યાં છે. તેના ભાગરૂપે રાજ્યમાં અનેક વિસ્તારોને કોરોના હોટ સ્પોટ જાહેર કરાયા છે. આ તમામ હોટ સ્પોટને સંપૂર્ણ લોક ડાઉન કરી દેવાયા છે અને આ વિસ્તારોમાંથી કોઈ વ્યક્તિ બહાર નહીં આવીં શકે કે કોઈ અંદર નહીં જઈ શકે. આ વિસ્તારો તરફ લોકોએ ફરકવાની પણ ભૂલ નથી કરવા જેવી નહિંતર કોરોનાનો ચેપ લાગવાનો ખતરો બહુ મોટો છે.

રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ આ જાહેરાત કરતાં કહ્યું કે, આ પૈકી અમદાવાદમાં સૌથી વધુ 8 કોરોના ક્લસ્ટર બનાવ્યા છે અને કુલ 24 ટીમ અમદાવાદમાં 8 ક્લસ્ટરમાં કામ કરે છે.