અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા એક સાથે 55 કેસો સામે આવ્યા છે. જેમાંથી 50 કેસ તો માત્ર અમદાવાદમાંથી સામે આવ્યા છે. આ તમામ કેસ અમદાવાદના હોટસ્પોટમાંથી સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 133એ પહોંચી છે.


નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા વધતા જે વિસ્તારોમાંથી કેસો આવ્યા હતા, તે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ આ વિસ્તારોમાં તંત્ર દ્વારા માસ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 50 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.



નોંધનીય છે કે, ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુરુવારથી અમદાવાદના હોટસ્પોટ જાહેર કરાયેલા વિસ્તારામાં માસ સર્વેલન્સ હાથ ધરવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, છેલ્લા બે દિવસમાં આ વિસ્તારોમાંથી 1200 સેમ્પલ લેવામાં આવ્યા હતા.