રાજસ્થાનના વતની લક્ષ્મણરામ પાબુરામ ચૌધરી (ઉ.વ.21) અને મુંબઇની પૂજાબહેન ૨બ્બભાઇ તરકસ ( ઉ.વ. 23) વચ્ચે સંબંધ બંધાયા હતા. બંને 15 દિવસ પહેલાં જ ઓઢવમાં છોટાલાલની ચાલી સામે આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં ભાડે રહેવા આવ્યા હતા. યુવક અને યુવતી વધારે સમયમાં રૂમમાં જ રહેતાં હોવાથી પડોશી લોકોનો કોઇ સંપર્ક થતો ન હતો.
છેલ્લા બે દિવસથી મકાન બંધ હતું અને બંધ મકાનમાં ભયંકર દુર્ગંધ મારતી હોવાથી પડોશીએ પોલીસ કન્ટ્રોલમાં જાણ કરી હતી. ઓઢવ પોલીસે મકાનનો દરવાજો તોડીને અંદર તપાસ કરી તો બેડરૂમમાં પલંગ પર યુવતીનો મૃતદેહ પડેલો હતો જ્યારે યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
પોલીસને મૃતદેહ પાસેથી યુવતીએ લખેલી સુસ્યાઇડ નોંટ મળી હતી. યુવતીએ પોતાના આપઘાત પાછળ લક્ષ્મણ નિર્દોષ હોવાનું લખેલું હતું. યુવકે લખેલી સ્યુસાઇડ નોટમાં પ્રેમ સબંધ અંગે કાકા સહિત કુંટંબીજનો નારાજ હોવાથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઓઢવ પોલીસે અકસ્માતે મોત નોધી વધુ તપાસ હાથ ધરી છે. ઓઢવ પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઇ. આર. જી. જાડેજાના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં યુવતીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હોવાનું બહાર આવી રહ્યું છે. એફએસએલ રિપોર્ટ બાદ યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.
યુવક અને યુવતી પહેલા નિકોલમાં રહેતા હતા અને પંદર દિવસ પહેલાં જ અહિયાં રહેવા આવ્યા હતા. યુવકના કાકા ભંગારનો વ્યવસાય કરે છે. અગાઉ યુવક તેમની સાથે રહેતો હતો. પોલીસે યુવક અને યુવતીનો લિવ ઇન રિલેશનશીપનો કરાર અને સ્યુસાઇડ નોટ કબજો કરી વધુ તપાસ હાથ ધરી છે.