Covid New Variant 2023: ગુજરાતમા ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે, એક પછી એક નવા વેરિએન્ટના પૉઝિટીવ કેસો સામે આવી રહ્યાં છે, આજે વધુ બે કેસો અમદાવાદમાંથી સામે આવ્યા છે, આ દર્દીઓ સામે આવતાની સાથે જ સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે. ખાસ વાત છે કે, કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.


માહિતી પ્રમાણે, અમદાવાદમાંથી વધુ બે કોરોનાના નવા વેરિએન્ટના પૉઝિટીવ કેસો સામે આવ્યા છે. સોમવારે શહેરમાં વધુ 2 કૉવિડ કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. આમાં એક મહિલા અને એક પુરુષ કોરોના સંક્રમિત થયા છે, જે શહેરના સરખેજ અને રાણીપ વિસ્તારના સ્થાનિક હોવાની માહિતી મળી છે. પૉઝિટીવ આવેલા બંને દર્દીમાંથી એક દર્દીની સિંગાપોરની ટ્રાવેલ હિસ્ટ્રી પણ બહાર આવી છે. અત્યારે અમદાવાદ શહેરમાં 35 કૉવિડ એક્ટિવ કેસો છે જેમાંથી એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો, આજથી શરૂ કરાશે ટેસ્ટિંગ


રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતના સ્થળોએ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરાશે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે.


અમદાવાદમાં સોમવારના કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા હતા. જેમાં 2 મહિલાઓ અને 3 પુરુષો કોરોના સંક્રમિત થયા છે. આ તમામ અમદાવાદ શહેરના ખાડિયા, બોડકદેવ, નવરંગપુરા અને દરિયાપુરના રહેવાસી છે. જેમાંથી બે દર્દી ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. જેઓ બેંગલુરુથી આવ્યા હતા. તો ગાંધીનગર IITના બે પ્રોફેસરો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 56 થયો છે. આ સાથે જ દેશમાં ગુજરાત કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. કર્ણાટકમાં કોવિડ 19ના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે (25 ડિસેમ્બર) કોવિડ-19ના 125 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 436 થઈ ગઈ છે. દરમિયાન કોરોનાના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. કર્ણાટકના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, "છેલ્લા 24 કલાકમાં 30 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3,155 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં 2,072 RT-PCR અને 1,083 રેપિડ એન્ટિજન ટેસ્ટનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે "તમામ મૃત્યુ પામેલા દર્દીઓએ શ્વાસની તકલીફની ફરિયાદ કરી હતી. હાલમાં 400 લોકો હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 36 હોસ્પિટલમાં દાખલ છે."


JN.1 વેરિઅન્ટના 34 કેસ


કર્ણાટકના આરોગ્ય વિભાગે સોમવારે (25 ડિસેમ્બર) જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં COVID-19 વેરિઅન્ટ JN.1 ના 34 કેસ મળી આવ્યા છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે કહ્યું હતું કે કર્ણાટકમાં અત્યાર સુધીમાં JN.1ના લગભગ 35 કેસ મળી આવ્યા છે. જેમાંથી 34 કેસ જેએન.1 વાયરસના છે. તેમાંથી 20 કેસ એકલા બેંગલુરુ શહેરના છે.