અમદાવાદ: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં છે. તેમણે આજે સીઆર પાટીલના નામે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે, સીઆર પાટીલને પ્રમુખ બનાવીને ભાજપે ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તેમણે એવો પણ સવાલ કર્યો કે, શું ભાજપ મહારાષ્ટ્રથી ગુજરાત ચલાવવા માગે છે? હવે આ નિવેદનના જવાબમાં સીઆર પાટીલે ટ્વિટ કરી વળતો પ્રહાર કર્યો છે. 


 




ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે લખ્યું કે, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલીસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે. સીઆર પાટીલે કેજરીવાલને ખાલીસ્તાનની સમર્થક ગણાવ્યા હતા.


અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલને આપી આ ચેલેન્જ


Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે ભરુચ ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે લોકોને પુછ્યું કે, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલ ક્યાંના રહેવાવાળા છે? ભાજપને 6.50 કરોડ લોકોમાંથી એક પણ ગુજરાતી ન મળ્યો. આ ગુજરાતની જનતાનું અપમાન ભાજપે કર્યું છે. શું મહારાષ્ટ્રથી ગુજરાત ચલાવવા માગે છે ભાજપ?


કેજરીવાલે કહ્યું કે, પંજાબ જીત્યા બાદ આ પહેલી જાહેરસભા અમે આદિવાસી વિસ્તારમાં કરી છે. આપણા દેશના બે અમિત વ્યક્તિ ગુજરાતના છે અને દેશના સૌથી ગરીબ આદિવાસી પણ ગુજરાતમાં છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ અમીરો સાથે ઉભા છે, તેમને વધુ અમીર બનાવે છે. અમને એક મોકો આપો અમે ગરીબો માટે કામ કરીશું. દિલ્હીના લોકો મને ખૂબ પ્રેમ કરે છે, આજે હું ગુજરાતના લોકો પાસે પ્રેમ માગવા આવ્યો છું. ગુજરાતના લોકો એકવાર પ્રેમ કરે તો જિંદગીભર નિભાવે છે, હું પણ એવો જ છું. મને માત્ર કામ કરતા જ આવડે છે, રાજકારણ અને ભ્રષ્ટ્રાચાર નથી આવડતો. ગુજરાતમાં શાળાઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડા નથી, દીવાલો તૂટેલી છે. દિલ્હીમાં પણ પહેલા આવું જ હતું, પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે.


કેજીરીવાલે વધુમાં કહ્યું કે, દિલ્હીમાં જજ, અધિકારી અને રીક્ષાવાળાના સંતાન એક જ બેન્ચ પર બેસીને ભણે છે. મે બાબા સાહેબ આંબેડકરને વચન આપ્યું છે, બાબા તેરા અધૂરા સપના કેજરીવાલ કરેગા પૂરા. હું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ આપું છું, આવો અમારી શાળા અને આરોગ્યકેન્દ્ર જુઓ. દિલ્હીના સીએમએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આ લોકોને તમે બીજા 5 વર્ષ આપશો તો પણ કંઈ નહિ કરે. ગુજરાતની ભાજપ સરકારે પેપરલીક કરવામાં રેકોર્ડ બનાવ્યો છે. ગિનીસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડવાળા ગુજરાતની ભાજપ સરકારને એવોર્ડ આપશે. ભુપેન્દ્ર પટેલ અને પાટિલને ચેલેન્જ કરું છું કે, એક પરીક્ષા પેપર ફૂટ્યા વગર યોજી બતાવે.