અમદાવાદઃ ગુજરાત સરકારે 18 મેથી રાજ્યમાં ચોક્કસ શરતોને આધીન વેપાર-ધંધા શરૂ કરવાની અનુમતિ આપી છે. જેના ભાગરૂપે કન્ટેનમેન્ટ ઝોનમાં ના આવતા હોય એવા વિસ્તારોમાં ગુટખા-પાન-મસાલાની દુકાનો શરૂ કરવાની મંજૂરી પણ આપી છે. ઉત્તર ગુજરાતના મોટા શહેર હિંમતનગરમાં પણ આ મંજૂરી અપાતાં આજે બુધવારથી લોકો ગુટખા-પાન-મસાલાની દુકાનો પર મોટી સંખ્યામાં ઉમટી પડતાં પોલીસે ગુટખા-પાન-મસાલાની હોલસેલ દુકાનો તથા ગલ્લા બંધ કરાવવાની ફરજ પડી હતી.


હિંમતનગરમાં આજે બજાર ખુલતા લોકો મોટી સંખ્યામાં લોકો બજારમાં આવ્યા હતા. હિંમતનગરમાં પાન મસાલા અને ગુટખાની હોલસેલ દુકાનો ચાલુ થતાં લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આસપાસનાં ગામોનાં લોકોની સાથે સ્થાનિક લોકો ખરીદી કરવા અને ગુટખા, પાન, મસાલા ખરીદવા આવ્યા હતા. તેના કારણે ઠેર ઠેર ભીડ લાગી ગઈ હતી.

આ દુકાનો નહોતી ખૂલી ત્યાં સુધી લોકો લાઈનોમાં ઉભાં હતાં પણ પાન મસાલાની દુકાનો ખુલતાં જ ખરીદી માટે લાઈનમાં ઉભેલાં લોકો ટોળામાં ફેરવાયાં હતાં. પોલીસને જાણ થતાં પોલીસે તરત જ પાન મસાલાની દુકાનો બંધ કરાવી દીધી હતી.સોશ્યલ ડિસ્ટન્સ ના જાળવતા પોલીસે દુકાનો બંધ કરાવી છે.